અમદાવાદ, એએમટીએસ અને પાંચ પૈસાની બસ ટિકિટ

.

નવરંગપુરાનો અમારા તરફનો વિસ્તાર તે સમયે હજી નવો વિકસતો હતો. સરદાર પટેલ કોલોની સુધી જ પાકો રોડ. નારણપુરા તરફના વિસ્તારો હજી વિકસ્યા ન હતા, તો તે તરફ પાકા રોડ ક્યાંથી હોય?

અમારા વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ (એએમટીએસ) ના બે બસ રૂટ મળેલા – લાલ દરવાજાથી સરદાર પટેલ કોલોની માટે 14/બી નંબરની બસ; કાળુપુર સ્ટેશનથી સરદાર પટેલ કોલોની માટે 22 નંબરની બસ.

અમારા માટે – બાળકો માટે લાલ દરવાજા કે સ્ટેશન જવા માટેની બસ ટિકિટ માત્ર પાંચ પૈસાની! હકીકતમાં, એએમટીએસના કોઇ પણ રૂટ પર અમદાવાદ શહેરમાં માં ક્યાંય પણ મુસાફરી કરવા માટે બાળકોની ટિકિટ માત્ર પાંચ પૈસાની રહેતી.

એએમટીએસની બસોનો રંગ લાલ હતો; તેથી સૌ તે બસોને “લાલ બસ” તરીકે જ ઓળખતા. 14/બી નંબરની બસ લાલ દરવાજાથી મિરઝાપુર, રેંટિયાવાડી, દિલ્હી દરવાજા, શાહપુર, ગાંધી બ્રિજ, ઇંકમટેક્સ ઓફિસ થઈ હાલના સ્ટેડિયમ સર્કલ પાસેથી વળીને સરદાર પટેલ કોલોની જતી. ત્યારે હજી સરદાર પટેલ સ્ટેડિયમની જગ્યાએ ટેકરીઓ હતી; સરદાર સ્ટેડિયમના નિર્માણનો હજી માંડ આરંભ થયો હતો લાલ દરવાજા જવા માટે નહેરુ બ્રિજ પણ નહોતો બન્યો. થોડા સમય પછી એએમટીએસની બસ સર્વિસનો વ્યાપ વધ્યો. સરદાર પટેલ કોલોનીથી લાલ દરવાજા માટે 62 તથા સ્ટેશન માટે  66 નંબરના રૂટ બન્યા.

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે તત્કાલીન અમદાવાદના ગૌરવ સમા નહેરુ બ્રિજનું ઉદઘાટન થયું અને અમને 63 નંબરનો લાલ દરવાજા વાયા નહેરુ બ્રિજનો રોયલ બસ રૂટ મળ્યો. 

1 comment September 20, 2009

કુમળા બાળમાનસ પર જાહેરાતોની અસર

.

બાળકના સ્મરણપટ પર જાહેરાતો હંમેશા રહેતી હશે?

નાનપણમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની એએમટીએસની બસો પર જાહેરાતો જોતાં રહેતાં; વાંચ્યાં કરતાં. કેટલીયે જાહેરાતો જાણે માનસપટ પર પ્રિંટ થઈ ગઈ છે. તેમાં નઠારી ગણાતી સિગારેટની જાહેરાતો ય છે.

બે જાહેરાતો કદી ભૂંસાઈ નથી – તાજ છાપ સિગારેટ અને પનામા સિગારેટ. અમદાવાદના રસ્તાઓ પર ફરતી તમામ એએમટીએસની બસો પર આ જાહેરાતો દેખાતી. “એક ઉત્તમ સિગારેટ”, “ઉમદા કશ”, “તાજગીનો અહેસાસ” કે “ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે” – આવા કોઇક શબ્દો તે જાહેરાતોમાં હતા તેવું યાદ રહ્યું છે.  શાળામાં કેટલાક નબીરા ચોક હાથમાં પકડી સિગારેટ પીવાનો ખેલ કરતા તે ખેલ કેવો ખતરનાક બની શકે છે તે હવે સમજાય છે. માતા-પિતા- કુટુંબના સંસ્કાર અને સારા વાચને અમને ભલા-બૂરાનો ભેદ શીખવ્યો છે અને બુરાઈઓથી બચી સન્માર્ગે ચાલવા પ્રેરણા આપી છે. પરંતુ આજે માર્કેટીંગ, એડવર્ટાઇઝિંગ અને સાયકોલોજીના ઢગલાબંધ કેસ ડિસ્કસ કર્યા પછી કુમળા બાલમાનસ પર જાહેરાતોની નઠારી અસરો વિશે લેશ માત્ર શંકા નથી.

એડવર્ટાઇઝિંગ ક્ષેત્રના માંધાતાઓ આ સમજતા જ હશે ને? અને પછી ચતુરાઈથી હકીકતોને નજર-અંદાઝ પણ કરતા હશે ને? 

Add comment August 23, 2009

શાળાની પ્રાર્થનાસભા

.

શાળાજીવનનું એક સુખદ સ્મરણ શાળાની પ્રાર્થનાસભાનું છે.

ગ્રાઉન્ડફ્લોર પર, કંપાઉંડમાં શાળાના મકાનને અડીને ઓપન-એર છતાં ઉપરથી કવર્ડ એવું પ્રાર્થનામંદિર હતું. રોજ સવારે પ્રાર્થનાસભાથી શાળાના કાર્યનો આરંભ થતો.

સામાન્ય રીતે આટલો રોજિંદો કાર્યક્રમ – પ્રાર્થના, એક-બે ગીત કે ભજન, આચાર્યશ્રી દિનુભાઈ સાહેબ દ્વારા સમાચાર/જાહેરાત અથવા પ્રાસંગિક પ્રવચન અને છેલ્લે મૌન. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પ્રિય પ્રાર્થના “સત્ય અહિંસા ચોરી ન કરવી . . .” અમને પણ ખૂબ ગમતી. ભગવદ ગીતાના બીજા અધ્યાયના સ્થિતપ્રજ્ઞના લક્ષણો પરના કેટલાક શ્લોકોનો ગુજરાતી અનુવાદ ત્યારે અડધો-પડધો સમજાતો; યુવાન વયે તે સમજાયો ત્યારથી તે શ્લોકો હૃદયસોંસરવા ઉતરી ગયા છે – “સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ ..” 

સંગીત શિક્ષક કેશુભાઈ પરમાર સાહેબ સુંદર ગીતો ગાતાં અને ગવડાવતાં- ‘વન વન આંકો નૂતન કેડી’, ‘તું તારા દિલનો દીવો થાને’થી માંડી કબીર સાહેબનાં ભજન ‘ભેદ ન જાને કોય; સાહેબ તેરો ભેદ ન જાને કોય’ હૃદયપટ પર અંકિત છે. ક્યારેક પ્રાર્થના સભામાં વિશેષ દિવસો પર વિશેષ ભાવના ગીતો ગવાતાં જેમકે દેશભક્તિનાં ગીતો. કદી કદી નાટક આદિ પ્રવૃત્તિ થતી.

વર્ષમાં બે-ત્રણ વખત વિવિધ ક્ષેત્રના સુપ્રતિષ્ઠિત આગેવાનોને પણ આમંત્રણ અપાતાં. યાદ રહેલાં કેટલાંક મહાનુભાવોમાં રવિશંકર મહારાજ તથા કનુ દેસાઈ સ્પષ્ટ યાદ છે.

રવિશંકર મહારાજનું આડંબરવિહોણું સરળ વ્યક્તિત્વ તેમજ તદ્દન સાદા શબ્દો અને તળપદી બોલીમાંથી ટપકતી નિખાલસતા કદી નહીં ભૂલાય. જૈફ વયે પહોંચેલા કનુ દેસાઈએ એવી તો સ્ફૂર્તિથી ચિત્રો આલેખ્યાં હતાં કે અમે જોતાં જ રહી ગયેલાં! શાળાની પ્રાર્થના સભાની સુવાસ આજે અંતરે છલકાય છે.

Add comment January 11, 2009

1962નું ભારત-ચીન યુદ્ધ (2)

.

ભારતની ઉત્તર સરહદે 1962માં ચીનનું લશ્કરી આક્રમણ.

આજે 46 વર્ષોનાં વહાણાં વાઈ ગયાં છે, છતાં  ઓક્ટોબર માસ આવે અને ભારત પરના ચીનના આક્રમણની વાતો તાજી થાય.

1962ના ચીની આક્રમણે દેશમાં નવા પ્રાણ ફૂંક્યા હતા. ઘરમાં, બહાર સર્વત્ર દેશભક્તિનો જુવાળ ઊમટ્યો હતો. શાળામાં તો માહોલ જ બદલાઈ ગયેલો. આચાર્ય દિનુભાઈનાં પ્રાર્થના-પ્રવચનોમાં આવી પડેલા સંકટ-ટાણે દેશસેવા માટેની અવનવી હાકલો રહેતી.

બાળકના ઘડતરમાં શાળાનો ફાળો કેવો મહત્વપૂર્ણ હોય છે! જો તે સમયે શાળાના ખમીરવંતા વાતાવરણે અમને દેશભક્તિનો પાનો ન ચઢાવ્યો હોત, તો આજે કદાચ યુદ્ધની વાતો આટલી તાજી ન થતી હોત.

એક ચિત્ર ઊભરે છે ‘શૂટિંગ’ની ટ્રેઇનિંગનું. શાળા છૂટે પછી શાળાના પ્રાંગણમાં એરગન (કે રાયફલ?)થી શૂટિંગના ખાસ વર્ગ ચાલતા. હાઇસ્કૂલના વયસ્ક વિદ્યાર્થીઓ હોંશે હોંશે તેમાં જોડાતા. જમીન પર બેસીને કે આડા પડીને ટાર્ગેટ પર આબાદ નિશાનબાજી કરતા ને ફૂલાતા! અમે ટેણિયા-મેણિયા માત્ર પ્રેક્ષકો બની જોતાં રહેતાં. અમને ક્યારેક જોમ એવું ઊભરાતું કે સ્વપ્નાંઓમાં ખોવાઈ જતાં! અમે બહાદુર ‘સિપાહી’ બની જતાં, અમારા હાથમાં ‘ગન’ આવી જતી અને અમે લડાખ-મોરચે શત્રુસંહાર કરવા પહોંચી જતાં!!

બીજું ચિત્ર નજરે તરે છે દેશ માટે, જવાનો માટે ફાળો ઊઘરાવવાનું. અમે લત્તે લત્તે, ઘેર ઘેર ફરી નાની-મોટી રોકડ રકમ ભેટ કરવા સૌને સમજાવતાં.

યુદ્ધનો સામનો કરવો તે રાષ્ટ્ર સામેનો સૌથી મોટો પડકાર હોય છે.

યુદ્ધની ભયાનકતા અમે બાળપણમાં નિહાળી; યુદ્ધ પછીની દારૂણ અસરોને અમે યુદ્ધોત્તર વર્ષોમાં વેઠી.

.

4 comments October 12, 2008

1962નું ભારત-ચીન યુદ્ધ (1)

.

1962નો ઓક્ટોબર માસ. ભારત પર ચીનનું આક્રમણ.

શાળાજીવનનું એક અમૂલ્ય સંભારણું તે ભારત-ચીન યુદ્ધ.

તદ્દન કુમળી વયે અમારી ભાવનાઓ પર કુઠારાઘાત થયો. મિત્ર જેવો પાડોશી આવો વિશ્વાસઘાતી હોઇ શકે?

ચીનના અણચિંતવ્યા, નિર્લજ્જ આક્રમણની વાતોથી છાપાં ભરાતાં. ક્યાંક ભારતીય સૈન્યની વીરતાનું પ્રદર્શન ઝલકતું. બાકી ભારતીય વિસ્તારોમાં પીછેહઠ અને નાલેશીની વાતો હતોત્સાહ કરતી.

આવા નિરાશાભર્યા સંજોગોમાં સમગ્ર દેશમાં કેટલાંક પરિબળો જાન ફૂંકતાં રહ્યાં. વર્તમાનપત્રો, રેડિયો, નેતાઓ, કવિઓ, સર્જકો, શાળા-કોલેજો દ્વારા સૌને પાનો ચઢાવી દે તેવાં પ્રયત્નો થતાં રહ્યાં.

કેટલીક બાબતો સ્મૃતિમાં જડાઈ ગઈ છે. એક તો, નાગરિક જાગરૂકતા.

અમારી શાળામાં અમને નાગરિક સંરક્ષણની તાલીમ આપવામાં આવી.

તેમાંની એક રસભરી કવાયત તે બોંબમારાથી બચવાની. અમે જુનિયર વિદ્યાર્થીઓ નાગરિકો બનતાં. સિનિયર્સ વળી સ્વયંસેવકો બનતાં. વ્યાયામ શિક્ષકો દુશ્મન ‘બોંબર મેન’ બનતાં. કાલ્પનિક દુશ્મન વિમાનો હુમલા માટે આવવાનાં હોય ત્યારે હવાઈ હુમલાની ચેતવણીરૂપ સાયરન તરીકે વ્યાયામ શિક્ષક વારંવાર સિસોટી વગાડતા. અમે નાગરિકો હાથ વડે આંખ-કાન ઢાંકી જમીન પર ઊંધા સૂઈ જતાં. બોંબર મેન વ્યાયામ શિક્ષક નાની લખોટીઓ રૂપી બોંબ અમારા પર ફેંકતાં. થોડી વાર પછી સબ સલામતની સાયરનરૂપ સિસોટી વાગતી. જેમને લખોટી વાગી હોય તેમણે ઘાયલ થઈ પડી રહેવાનું. બાકીનાં ઊભા થઈ જાય. સ્વયંસેવકો ઝોળી-સ્ટ્રેચર લઈ દોડતાં આવે, ત્યારે ઘાયલોને લઈ જવામાં અમે મદદ કરતાં.

અમારામાં યુદ્ધમોરચે લડ્યા જેટલું જોમ ઊભરાવા લાગતું.

તેમાં વળી આચાર્ય દિનુભાઈ સાહેબ જોશીલી જબાનમાં હાકલ કરે અને વ્યાયામ શિક્ષક સૂત્રોચ્ચાર કરાવે!

અમદાવાદમાં જ લડાખ હોય તો ચીનાઓને અબઘડી ચિત કરી દે તેવા શૂરવીરોમાં અમે રૂપાંતરિત થતાં. અમારો આ નવો શૂર-અવતાર અઠવાડિયા-પંદર દિવસ  સુધી તો અવશ્ય ટકતો!!

.

1 comment September 2, 2008

રેડિયો – એક અજાયબી

.

ગઈ સદીનો છઠ્ઠો દાયકો. હિંદુસ્તાનની આઝાદીને બારેક વર્ષ વીત્યાં હતાં.

ત્યારે બાપુજી હોંશભેર ઘરનો પ્રથમ રેડિયો ખરીદી લાવ્યા.

માંડ આઝાદ થયેલ હિંદુસ્તાનમાં ગૃહોપયોગી ઉપકરણો તો બનતાં નહીં. વિદેશી ઉત્પાદનો પર આધાર રાખવો પડતો. બાપુજીએ “બુશ – મેઈડ ઇન હોલેન્ડ” પસંદ કર્યો.

‘બુશ’ એક ઉત્તમ રેડિયો. આઠ બેન્ડ અને કદાચ છ વાલ્વનો રેડિયો. ત્યારે ટ્રાંઝિસ્ટર ન હતા; કાચના વાલ્વ હતા. ‘બુશ’ ખૂબ જ આકર્ષક રેડિયો. વિવિધ કંટ્રોલ માટે ચાર સુંદર ગોળાકાર નોબ. ઉપર ડાબા હાથે ખૂણામાં ટ્યુનિંગ દર્શાવતી ખૂબસૂરત લીલી “આઈ”. આઠ બેન્ડ માટે લાલ, લીલી, પીળી, વાદળી – સુંદર રંગીન રેખાઓ. દરેક બેન્ડ માટે ‘વિશાળ’ બેન્ડ-સ્પ્રેડ. ત્રીસેક સેન્ટીમીટર લંબાઈનું બેન્ડ-સ્પ્રેડ. આજના જમાનામાં મોટા ટુ-ઇન-વન પરનાં બેન્ડ-સ્પ્રેડ માંડ દસ સેમી જેટલાં હોય છે!!

એકાદ વર્ષ રેડિયો પર મોટાભાઈનું  ‘એકહથ્થુ વર્ચસ્વ’ રહ્યું; અમે નાના ભાઈઓ હાથ પણ ન લગાવી શકતા. પછી તો અમે પણ રેડિયો સિલોન અને ઓલ ઇંડિયા રેડિયો સાંભળતા થયા. રેડિયો સિલોન સાથે સૌ પ્રથમ ગાઢી દોસ્તી થઈ.

રેડિયોનાં ઘણાં એનાઉન્સમેન્ટસ ભેળસેળ થઈ કાનમાં ગુંજે છે. કદાચ આવું કોઇક એનાઉન્સમેન્ટ હતું: “… યે રેડિયો સિલોનકા વિદેશ વિભાગ હૈ.”  પાછળથી તે બદલાઈને ” ….. યે સિલોન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનકા વ્યાપાર વિભાગ હૈ” આમ કાંઇક હતું. રેડિયો સિલોન ત્યારે પચ્ચીસ મીટર, એકત્રીસ મીટર અને ઓગણપચાસ (કે એકતાલીસ?) મીટર પર બ્રોડકાસ્ટ થતું. હજી એનાઉંસરના શબ્દો યાદ આવે છે: “પચ્ચીસ મીટર બેન્ડ પર ગ્યારહ હજાર આઠસૌ, ઈકતીસ મીટર બેન્ડ પર નૌ હજાર સાતસૌ બીસ ઔર ઉનચાસ મીટર …….   યે સિલોન બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશનકા વ્યાપાર વિભાગ હૈ.”

ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસ પર સુંદર જૂનાં ફિલ્મી ગીતો આવતાં. થોડા વખત પછી રેડિયો પર નવા શબ્દો અમે સાંભળતા થયા: “ત્રણસો બાવન પૂર્ણાંક નવ દશાંશ મીટર એટલે કે આઠસો પચાસ કિલોસાયકલ્સ પ્રતિ સેકંડ પર આકાશવાણીનું આ અમદાવાદ-વડોદરા કેન્દ્ર છે.” પછી વિવિધભારતી કાનમાં ગુંજતું થયું.

તે જમાનામાં નાના-મોટા દરેક રેડિયો માટે સરકારી પોસ્ટ ઓફિસમાંથી લાયસન્સ લેવું પડતું. પ્રતિ વર્ષ પોસ્ટ ઓફિસમાં લાઇનમાં ઊભા રહી નિર્ધારિત ફી ભરી રેડિયો લાયસન્સ રીન્યુ પણ કરાવવું પડતું. બોલો! કેવી જફા!

જે રીતે આજે ટીવી માટે એન્ટિનાની જરૂરત, તે રીતે ત્યારે રેડિયોના સિગ્નલ પકડવા ખુલ્લી હવામાં ‘એરિયલ’ની જરૂરત. અમે પણ ઘરની બહાર ખુલ્લી લોબીમાં સિલીંગ પાસે જાળીવાળું ‘એરિયલ’ લગાડ્યું હતું.

રેડિયો એક જમાનામાં અજાયબીભર્યો ‘પ્રાઉડ પઝેશન’ ગણાતો. પાડોશી-મિત્રો-પરિચિતો રેડિયો સાંભળવા ખાસ બેસતાં અને ખુશ થતાં.

અમારી કિશોરાવસ્થામાં દુનિયાની ઝાંખી કરાવવામાં રેડિયોનો બહુમૂલ્ય ફાળો હતો. બીબીસી, વોઇસ ઓફ અમેરિકા, રેડિયો ઓસ્ટ્રેલિયા, રેડિયો મોસ્કો, વોઇસ ઓફ જર્મની, રેડિયો પીકિંગ (આજનું બીજિંગ) અને બીજાં અનેક જાણ્યાં-અજાણ્યાં સ્ટેશનો અમે પકડતાં રહ્યાં. ઘણાંની તો ભાષા જ ન સમજાય!

રેડિયોએ અમને જીવનના બહુવિધ પાસાંઓનો પરિચય કરાવ્યો. રેડિયો સિલોને સૂર – સ્વર – સરગમ – સંગીતની પિછાણ કરાવી. બીબીસી અને વોઇસ ઓફ અમેરિકાએ દુનિયાના ધબકાર સુણાવ્યા. રેડિયો અમને ઘરની બહાર વિશ્વફલક પર લઈ ગયો. ખરેખર, રેડિયોએ અમારા જીવન ઘડતરમાં મોટું યોગદાન આપ્યું.

4 comments August 25, 2008

જે થાઓ બાપુ!

.

બાળપણનું આંખો ભીંજવી દેતું એક કરુણ પાત્ર “જે થાઓ બાપુ”.

”જે થાઓ બાપુ”ને પ્રથમ વખત જોયા, ત્યારે મારી ઉંમર આઠેક વર્ષની હશે અને તેમની ઉંમર પાંસઠની તો હશે જ.

મોડી સાંજે સાડાસાત-આઠ વાગ્યે સોસાયટીમાં તેમનો સાદ સંભળાય: “જે… થાઓ બાપુ… ઉ … ઉ ..!”

“જે થાઓ બાપુ” હતા વૃદ્ધ ભિક્ષુક. વાતો સાંભળી હતી કે તે હતા તો ખાતા-પીતા ઘરના, પણ તેમના દીકરાઓએ તરછોડી દીધેલા. જીવનથી હારી ચૂકેલા, પણ ઝઝૂમતા રહેલા. આમ છતાં કોઈ વાતની કદી ફરિયાદ નહીં!!

છએક ફૂટને પહોંચતી દુર્બળ પણ ટટ્ટાર કાયા. કરચલીવાળા ચહેરા પર મુશ્કેલીથી ગોઠવાતા સફેદ ચશ્મા. ઢીંચણ સુધી પહોંચતું મેલુંઘેલું પંચિયું. બે ખિસ્સાવાળું બંડી જેવું.પહેરણ. માથે ફાળિયું. તેના પર એક ટોપલો. ટોપલામાં એક તપેલું, એક ડોલચું, એક-બે નાની થાળી., એકાદ કથરોટ કે તાંસળું.

“જે થાઓ બાપુ”ના જીર્ણ ચહેરા પર જિંદગીના છ દાયકાઓની દારૂણ થપેડો કોતરાયેલી હતી. તો યે ભાવ એવો નીતરતો રહેતો કે ભીંજવી દે!

તેમનો સાદ પડે અને બા તરત અમને મોકલે. ક્યારેક રોટલી કે ભાખરી; ક્યારેક દાળ-શાક. બા કહેતાં,”જાવ! દાદાને આપી આવો!” અમે દોડતાં દરવાજે પહોંચીએ.

બાપુ ટોપલો ઉતારી બેસે. નૂરહીન થતી ઝીણી આંખોથી અમારા હાથના પાત્રને અવલોકે અને તેમના ટોપલામાંથી ડોલચું કે કથરોટ અમારી આગળ ધરે. અમને સ્નેહથી નીરખે, અદીઠ-શું સ્મિત કરે અને મીઠા શબ્દો કહે,”ભલું થાજો તમારું! ભલું થાજો સૌનું!”

ઊભા થતાં થતાં સૌનો જયકાર કરે! “જે થાઓ બાપુ!”

સમાજમાં આવાં ઉપેક્ષિત થતાં પાત્રોની કરૂણતા બા અમને સમજાવતાં અને તેમની સંભાળ લેવા પ્રેરણા આપતા. અભ્યાસમાં આગળ વધ્યા અને વસુધૈવ કુટુંબકમ્ તથા સર્વોદયના પાઠ શીખ્યા, ત્યારે ભિક્ષુક દાદાના શબ્દોનું મૂલ્ય બાએ અમને સમજાવ્યું. પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સાત-આઠ વર્ષ સુધી સંભળાતો રહેલો સાદ કોણ જ્યારે ક્યારે બંધ થઈ ગયો હતો!

.

1 comment July 31, 2008

મોટ્ટણબત્તી….. પ્રાયમસની પીન આવી

.
સ્મૃતિપટ પર કેવાં કેવાં દ્રશ્યો ઊભરતાં રહે છે! એક મઝાનું સ્મરણ છે મોટ્ટણબત્તી કાકાનું.

શુક્રવારે સવારે દસ – સાડાદસનો સમય હોય ત્યારે સાદ સંભળાય:

”મોટ્ટણબત્તી .. ઇ … ઇ ……. પ્રાય…મસની ….ઇ…ઇ… પીન આવી …ઇ …

છે કાંસકા આ … આ… કાંસકી … ઇ … ઇ … ઇ ……….ઇ

ડામરની ગોળી… ઇ…. ઇ ….. કંકુની શીશી આવી.. ઇ…. ઇ…”

મોટ્ટણબત્તી કાકાની લારી દેખાય. મારવાડી કાકા. પાતળી પણ ખડતલ કાયા. સફેદ ઝભ્ભા જેવું પહેરણ, સફેદ ધોતિયું, કાળી ટોપી.

મોટ્ટણબત્તી કાકાની લારી એટલે હરતું ફરતું ‘બિગ બાઝાર’. ગૃહોપયોગી ચીજો, રસોડાની અનિવાર્ય વસ્તુઓ, સ્ત્રી વર્ગને ઉપયોગી ચીજો.

લારી હશે પાંચેક ફૂટ બાય સાડા ત્રણેક ફૂટની. લારીમાં ખીચોખીચ પણ આકર્ષક રીતે વસ્તુઓ ગોઠવી હોય. કિશોર બિયાણીને પણ ઇર્ષ્યા આવે તેવી સુઘડ ગોઠવણી. તમે માગો તે વસ્તુ દસ સેકંડમાં તમારા હાથમાં.

પ્લાસ્ટિકના કાંસકા, સ્ત્રીઓનાં બકલ, માથાની પીન, રીબન, અંબોડાની જાળી, સેફ્ટી પીન, કાળો દોરો, નાડી, ઇલાસ્ટીક નાડી, બંગડીઓ, કંકુની શીશી, નાનો અરીસો, નાની કાતર, પ્રાયમસનો કાકડો, પ્રાયમસની પીન, નાની મોટી સોય, સફેદ અને કાળા દોરાની રીલ, ડામરની ગોળી, રબર બેન્ડ…… વગેરે.

અમારાં જેવાં નાનાં બાળકો માટે લારીના એક ખૂણે એક ખોખામાં રબરની નાની દડીઓ અને પ્લાસ્ટિક – કચકડાનાં નાનાં સફેદ ‘પિંગ-પોંગ’ બોલ.

સ્ત્રી-બાળ વર્ગ વસ્તુ માગે, ભાવ જાણે, થોડી રકઝક કરે; મોટ્ટણબત્તી કાકા ઠંડકથી પણ મક્કમતાથી જવાબ આપતા જાય. ‘બારગેન’ કરવાનો ઝાઝો અવકાશ ન હતો, સિવાય કે તમારું બિલ ખૂબ મોટું બન્યું હોય,,, મોટું એટલે કેટલુ, તે કહું? પાંચેક રૂપિયા જેટલું!!!

મોટ્ટણબત્તી કાકા વર્ષો સુધી અમારી સોસાયટીમાં નિયમિત આવતા. કદાચ પંદર-વીસ વર્ષો સુધી કાકાએ શુક્રવારે સવારનો તેમનો સમય સાચવ્યો તેવું સ્પષ્ટ યાદ છે.

એક વસ્તુ અમારા સૌ માટે પઝલ બનીને રહી ગઈ તે “મોટ્ટણબત્તી”.

મોટ્ટણબત્તી શું હશે? ન તો ક્યારે અમને મોટ્ટણબત્તી શું તે સમજાયું, ન કાકાને તેનો અર્થ પૂછવાની અમને હિંમત થઈ.

આજેય મોટ્ટણબત્તી અમારા માટે વણ ઉકલ્યું ઉખાણું છે. આપ કોઈ પાસે જવાબ છે?

.

Add comment June 30, 2008

અમદાવાદના ઝૂલતા મિનારા

.

અમદાવાદ શહેરના વારસાનાં પ્રતીકો પર જાળાં બાઝી રહ્યાં છે.

‘હેરિટેજ’ વિશે વિદેશીઓ અને વિદેશી સંસ્થાઓનો રસ ફૂટતો રહે છે; તે ‘ઇમ્પોર્ટેડ’ રસ અમદાવાદીને, ગુજરાતીને, સરકારી સંસ્થાઓને ક્યારેક ‘વોક’ કરાવવા ય લાગે છે. પણ વળી ઠેરના ઠેર!

પિત્ઝા ખાતાં ખાતાં અમદાવાદી ઇટલી અને પિઝાના ઢળતા મિનારાની વાતો તો કરી શકે છે, પણ સામે ઊભેલા ઝૂલતા મિનારા વિશે બે શબ્દો બોલી શકતો નથી!

મારી આંખોમાં શાળાજીવન ખડું થાય છે.

કદાચ ત્રીજા ધોરણનો એ યાદગાર દિવસ. સ્કૂલમાંથી અમને ઝૂલતા મિનારા જોવા લઈ ગયા હતા.

નાનાં નાનાં  ગૃપ પાડી વારાફરતી ગૃપમાં મિનારાની ટોચે જવાનું.

ગોળફરતી, સાંકડી, અંધારી સીડી.

સંભાળીને એક એક પગથિયું ચઢવાનું. મિનારાની ટોચ પર નાનકડી પાળીવાળો ગોળાકાર ઝરૂખો. તેમાં ચાર હાથપગ ગોઠવી ગોઠણભેર થઈ જવાનું. બસ, અમે ઘોડા બની ઊભા રહ્યા; નીચેથી વ્યાયામ શિક્ષકની તૈયાર રહેવાની સિસોટી વાગી.

બે સશક્ત શિક્ષકોએ મિનારા હલાવવાશરૂ કર્યા. એક મિનિટ પછી મિનારા હલવા લાગ્યા!

અમે ઊંચાઈ પર હવામાં આમતેમ ઝૂલી રહ્યાં હતાં! ગતિને સમજવા સ્થિતિની સાપેક્ષતા ખપ લાગતી હતી. નીચે આસપાસની ધરતી સ્થિર હતી. એક ક્ષણ તો હૃદય થડકી ગયું. મિનારો પડી તો નહીં જાય!

કેવો રોમાંચક અનુભવ! અમદાવાદના ઝૂલતા મિનારાના વિસ્મય પર ધૂળ ચઢતી જઈ રહી છે.

નવી પેઢીની આંખો ઘડીની ફ્લેશમાં ચમકવા જ સર્જાતી લાગે છે. આંખ ઠારીને, હૃદય ભરીને જોવા-માણવાની કલા તેમની પાસે છે ખરી? કદાચ દ્રષ્ટિ છે, કલા પણ છે, પરંતુ ફુરસત નથી.

વાંક આપણો છે. આપણે સંસ્કૃતિને એ સ્તર પર લાવીને મૂકી છે. આપણે જ દુનિયાને દોડતી કરી મૂકી છે. નવી પેઢીનો શું વાંક?

2 comments May 31, 2008

અમદાવાદનું એરોડ્રોમ

.

 

નાની ઉંમરની બહુ જ ધૂંધળી યાદ છે.

વર્ષ હશે લગભગ 1960ની આસપાસ.

અમદાવાદ એરોડ્રોમ વિમાનઘર ની અમારી પહેલી મુલાકાત. હા, તે સમયે હજી એરપોર્ટ નામ નહોતું મળ્યું. બાળકને મન વિમાન એરોપ્લેનની કેટલી મોટી નવાઈ હોય!

એરોડ્રોમ પર ઊભેલા એરોપ્લેનને પ્રથમ વખત અંદર જોઇને જોયું.

આતંકવાદના જમાનામાં આજે આ વાત કોઈ માની ન શકે!

અમારા મામાને અમદાવાદના એક પ્રતિષ્ઠિત સેવાભાવી કુટુંબ સાથે ઘરોબો. તે પારસી કુટુંબના એક યુવાન સદસ્ય પાયલોટ તરીકે મુંબઈ-અમદાવાદની કોમર્શિયલ ફ્લાઇટ સંભાળે.

આજે પણ તે ગોરા, સોહામણા, હસમુખા, પ્રતિભાવાન પારસી પાયલોટ અંકલનો ચહેરો યાદ છે. કેટલા પ્રેમથી તેમણે અમને એરોડ્રોમ પર આવકાર્યા! વાતો કરતાં કરતાં અમને એરોપ્લેન સુધી દોરી ગયા. પાંચેક મિનિટ અમે પ્લેનમાં રહ્યા.

અમે ખુશ ખુશ થઇ ગયા.

બાળપણની નાનીમોટી ખુશીઓ આજે ય ચહેરે સ્મિત રેલે છે!

3 comments April 30, 2008

Previous Posts


નમસ્કાર

“અનુભવિકા”: અતીતના સ્મરણોની યાત્રા.... ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ .... .... .... .... ... ... .. .. .. .. .. .. .. હરીશ દવે ... અમદાવાદ

Categories

Recent Posts

Archives

Recent Comments

હરીશ દવે on અમદાવાદ, એએમટીએસ અને પાંચ પૈસા…
santhosh on 1962નું ભારત-ચીન યુદ્ધ (2…
હિમાંશુ કીકાણી on 1962નું ભારત-ચીન યુદ્ધ (2…
KANTILAL KARSHALA on 1962નું ભારત-ચીન યુદ્ધ (2…
jayesh on જે થાઓ બાપુ!

Blog Stats