Archive for January, 2007

ફાંકો ઉતારી દીધો!

.

બંદા ચોથા ધોરણમાં બુદ્ધિપ્રતિભામાં ઝળક્યા અને દયાશંકર દાદાજીએ “મોનિટર”ની રૂઆબદાર પદવી આપીદીધી!

પછી તો રાજ્જા, કાંઈ બાકી રહે? બંદા એક વેંત ઉપર થઈ ગયા!

બે પિરિયડ વચ્ચે ક્લાસ ‘કંટ્રોલ’ કરવો; શિસ્ત જાળવવી; સહાધ્યાયીઓને ચુપચાપ બેસાડી રાખવા; વાતો કરે તેને ક્લાસ-બહાર ઊભા કરવાની શિક્ષા કરવી …. ભારે સત્તા મળી ગઈ!

બીજા જ અઠવાડિયાની વાત. બેલ વાગ્યો. દાદાજી હજી આવ્યા ન હતા.

સવારની વર્ગ-પ્રાર્થનાનો બેલ વાગ્યો ને આપણા ક્લાસમાં પ્રાર્થના શરૂ. મોનિટર સાહેબ’નું સુપરવિઝન શરૂ ! ક્લાસમાં આંટા મારતા મારતા બધા પર નજર રાખવાની ને જેની આંખો ખુલ્લી હોય તેની આંખો બંધ કરાવવાની. ન સાંભળે તો ઘાંટો પાડીને પણ!

અરે ભાઈ, આ તો સત્તાનો નશો ! અંધ કરી દે! દિલ્હી હોય કે ગાંધીનગર કે ચોથું ધોરણ …. એ નશો બધે સરખો!!!

અચાનક કોઈએ હાથ ઝાલી ક્લાસ બહાર ખેંચ્યો! કોની હિંમત થઈ મોનિટરનો હાથ ખેંચવાની? નજર ઊંચી કરી તો દયાશંકર દાદાજી! ભવાં ખેંચાઈ ગયેલાં.

“કાં આંટા મારે છે?”

મને લાગ્યું કે દાદાજીને ગેરસમજૂતિ થઈ લાગે છે …. ભૂલી ગયા લાગે છે …

“સાહેબ મોનિટર છું …. આપે જ બનાવ્યો … ગયા અઠવાડિયે …”

“પ્રાર્થના ચાલે છે .. નથી ખબર?”

“સાહેબ, એટલે જ તો …. હું મોનિટર …..”

દાદાજીની આંખોમાં રોષ પ્રગટવા લાગ્યો :

“મોનિટર છું તો શું થઈ ગયું? ભગવાનથી મોટો તો નથી થઈ ‘ગ્યો?”

અને ગુસ્સાભર્યા દાદાજીના એ શબ્દોએ મોનિટરપણાનો, સત્તાનો, સફળતાનો ફાંકો ઉતારી દીધો … જીવનભર માટે!

પછી તો અભ્યાસપ્રવૃત્તિમાં, અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં, જોબમાં … જીવનમાં માન સન્માન મળતાં રહ્યાં, પણ મજાલ છે કે નશો ચઢે!!

જરાક ડગાય કે દાદાજીના રોષભર્યા શબ્દો યાદ આવે!

“ભગવાનથી તો મોટો નથી થઈ ‘ગ્યો?”

* * * * * * * * * * * * *
(બ્લોગપોસ્ટ પર આ પોસ્ટ પબ્લિશ થઈ: 22/06/2006)


3 comments January 19, 2007

સુરક્ષિત વિશ્વની ઝાંખી

.

સ્કૂલ જીવનની શરૂઆતના કેવા મઝાના દિવસો!

બહારની દુનિયાની પહેલી ઝલક!

સોસાયટીમાંથી બહાર નીકળો અને મુખ્ય રસ્તો શરૂ: ડામર (આસ્ફાલ્ટ)નો પાકો રસ્તો. હજુ તાજા જ ઉભરતા પરાવિસ્તારનો નવો નકોર આસ્ફાલ્ટ રોડ! જાણે રાહદારીઓ માટે જ બનાવ્યો હોય તેવો ખાલીખમ રસ્તો.

થોડી ધીમી ચાલતી સાયકલો; રડ્યાં ખડ્યાં નજરે પડતાં સ્કુટર, જવલ્લે જ નજરે ચડતી કાર; આ હતો ટ્રાફિક.

આરામથી ચાલો, દોડો, રમત કરો; કોઈ ચિંતા નહીં! હા, ક્યારેક ક્યારેક રસ્તા ધબધબાવતી રાક્ષસી ટ્રક નીકળે તેટલું સાચવી લેવાનું. બાકી આપણે રાજ્જા!

શાંતિભરી દુનિયા. ન ભાગાભાગી, ન દોડાદોડી. ન આજના જેવી આગળ નીકળવાની રેસ.

તમે પણ ચાલો; હું પણ ચાલું. આપણા સૌનો રસ્તો.

ન હતા ટ્રાફિક સિગ્નલ, ન હતા ટ્રાફિક પોલિસ; છતાં યે વાહનવ્યવહાર સરળતાથી વહેતો રહેતો! ન કોઈ તમને ભોં ભોં કરી ડરાવે, ન કોઈ તમારા પર ધસ્યું આવે! અમારા નાનકડા અસ્તિત્વની પણ અવગણના ન થાય. અમે એટલા “સેઈફ” અને “સિક્યોર્ડ” !!!

અમારી ઉંમર શું હતી? હજી માતાના ખોળામાંથી હમણાં તો બહાર આવેલા! અને જોયું કે બહારની દુનિયા પણ એટલી જ સલામત હતી!

આ અમારી પહેલી છાપ અજાણી આકૃતિઓ વિષેની, અજાણ્યા ચહેરાઓ વિષેની.

આ અમારી પહેલી પિછાણ બહારના વિશ્વની. વણજોયેલા વિશ્વમાં અમે કેવા સુરક્ષિત હતા !!

અમે બહારની દુનિયા પર વિશ્વાસ કરતા થયા. અમારા સ્વભાવમાં ભરોસો અને વિશ્વાસ ગૂંથાવા લાગ્યા!

* * * * * * * * * * * * *
(બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ: તારીખ 20/06/2006)


1 comment January 16, 2007

પ્રણામ શિક્ષકોને!

.

ઘણી વાર કેટલાક ઉત્સુક માતાપિતા મને પ્રશ્ન કરે છે:

બાળકનો મહત્તમ માનસિક-બૌદ્ધિક વિકાસ કઈ ઉંમરે થતો હોય છે? કઈ ઉંમરે સંવેદનાઓ વિશેષ વિકસવા લાગે છે?

જવાબ સરળ છે: પ્રથમ વર્ષથી જ.

બાળકની કોઈ સ્થિતિની, કોઈ ઉંમરની અવગણના ન કરવી. બાળકની માનસિક-બૌદ્ધિક શક્તિ, સંવેદનશક્તિ શિશુકાળથી જ ખીલવા લાગે છે; તે શક્તિઓ સતત વિકસ્યા કરે છે.

માતાપિતા, કુટુંબ, શાળા, સહવાસ, સમાજનું સમગ્ર વાતાવરણ તેનાં પોષક પરિબળો છે.

મને યાદ છે મારા ત્રીજા-ચોથા ધોરણનો અભ્યાસકાળ.

આઠેક વર્ષની કુમળી ઉંમર. જીવનને એક દિશા મળી ગઈ!

ત્રીજામાં વર્ગશિક્ષિકા હતાં પુષ્પાબહેન કવિ.
ગુજરાતી ભાષાના મહાન રસકવિ ન્હાનાલાલ દલપતરામ કવિના પુત્રવધુ.

પુષ્પાબહેન માયાળુ શિક્ષિકા. સ્મિતભર્યો લજ્જયુક્ત ચહેરો. મીઠી મિતભાષી વાણી. મધુર વ્યક્તિત્વ. બાળકોને પ્રેમથી ભણાવે.

ચોથા ધોરણમાં વર્ગશિક્ષક દયાશંકર દાદાજી. નિરાળો પહેરવેશ. એશ રંગનો લાંબો ડગલો, સફેદ ધોતિયું અને માથે કાળી ટોપી. ચહેરા પર છ દાયકાની સાક્ષી પૂરતી રેખાઓ. કડપ ભારે, અશિસ્ત ન સાંખે, પરંતુ અમારા પર પ્રેમ પણ ખુલ્લા દિલે વરસાવે.

બંને શિક્ષકોએ અમને અભ્યાસમાં રસ લેતા કર્યા. ગણિત અને ગુજરાતી અમારા લોહીમાં ઉતારી દીધાં. ગુજરાતનો ગૌરવવંતો ઈતિહાસ અમારી આંખોમાં મૂકી દીધો. વલભીપુરની જાહોજલાલી, રાજકુંવરીની કાંસકીની વાર્તા, જયશિખરીની મર્દાનગી ….. આજે ય જયશિખરીનું મસ્તક વિનાનું ધડ જાણે કે લડતું દેખાય છે!

અણહિલપુર અને વનરાજ, ચાંપો અને ચાંપાનેર, પાટણ અને સિદ્ધરાજ જયસિંહ ….. ગરવી ગુજરાતની ગાથા તે શિક્ષકોએ અમારા હૃદય-સોંસરવી ઉતારી દીધી!

દયાશંકર દાદાજીએ અમને ઈસપ, પંચતંત્ર અને અરેબિયન નાઈટ્સથી પરિચિત કરાવ્યાં. દાદાજી વાર્તાકથનમાં નિપુણ. શબ્દચિત્રોમાં તેમની તોલે કોઈ ન આવે! શબ્દપ્રયોગ જ નહીં, અવાજ અને ચહેરાના હાવભાવમાં એટલાં તો વેરીએશન્સ લાવે કે સ્તબ્ધ થઈને સાંભળ્યા કરીએ! ફરી ફરીને સાંભળીએ!

વાર્તા સાંભળતા સાંભળતા અમે પંચતંત્રનાં પ્રાણીઓ પાસે જંગલમાં પહોંચી જતાં! ક્યારેક અલાદ્દીન પાસે, તો ક્યારેક અલીબાબા પાસે!

અલાદ્દીનના મહાકાય જિનને આંખો ફાડી જોઈ રહેતા! (અને વિચારતા: કાશ! એક જિન અમારું હોમવર્ક કરી આપતો હોય!)

અલીબાબામાં તો ખૂબ મઝા આવે! અમારે જ ગુફા ખોલવાની: ‘ખૂલ જા સિમસિમ!’ અને અમે અલીબાબાની ગુફામાં સોનામહોરોના ચળકાટમાં ખોવાઈ જતા. (કાશ! એક સોનામહોરથી એક નવી સ્લેટ અને તેના પર લખવા માટે બે અણીદાર પેન ખરીદી શકાય! પણ રહેવા દો, પેનને અણીદાર કરવાનું કામ પેલા જિનને જ સોંપીશું! અત્યારે તો વાર્તા સાંભળી લઈએ!) આટલું વિચારીએ ત્યાં સુધીમાં તો દાદાજીએ ગુફાની બહાર ચાલીસ ચોર હાજર કરી દીધા હોય!

આવા શિક્ષકો હોય ત્યાં વિદ્યાર્થી શા માટે ન ભણે?

અને યાદ રહે: આમાંના કોઈ શિક્ષક પી.ટી.સી. કે બી.એડ. ન હતાં!!!

અભ્યાસમાં તો રુચિ વધી જ; સાથે મારી અભિવ્યક્તિ ખીલી ઊઠી! શબ્દો સાથે દોસ્તી બંધાઈ. અમારો સાહિત્યપ્રેમ પાંગરવા લાગ્યો.

પ્રણામ સૌ શિક્ષકોને! પ્રણામ ગુરુગણને!


2 comments January 9, 2007

પ્રકૃતિમાતાનું પ્રેમાળ સાન્નિધ્ય

.

વીસમી સદીના પાંચ દશકા પૂરા થઈ ચૂક્યા હતા.

મારા સ્કૂલજીવનનો આરંભ થયો …. અને ફડકો પેઠો! સ્વતંત્રતા છીનવાશે? મનપસંદ પ્રવૃત્તિઓ પર તરાપ પડશે?

આશંકા, ડર અને ઉમંગનું મિશ્રણ મનને ખાટુંમીઠું કર્યા કરે …. નારંગીની ગોળીની માફક!

પણ જોતજોતામાં મનમાં મીઠાશ વધી ગઈ!

નિમિત્ત બન્યો સ્કૂલનો રસ્તો.

વાત એમ કે સ્કૂલ દૂર તો નહીં જ. ચાલતા જવાનું. પંદર-વીસ મિનિટનો રસ્તો. અને એ રસ્તાએ જ ઉત્સાહ વધારી દીધો.

સોસાયટીમાંથી બહાર નીકળો. તરત પાક્કો ડામર રોડ. અડધે પહોંચી વળાંક લો. બાકીનો કાચો રસ્તો સ્કૂલ પહોંચાડે.

ડામર રોડની આસપાસ ધૂળ-માટીનો બનેલો ‘ફૂટપાથ’.

કાચા ફૂટપાથ પર છૂટુંછવાયું લીલોતરી ઘાસ; થોડા ફૂલછોડ; થોડા જંગલી છોડવા.

નાનકડા રોપાઓ પર નાનાં નાનાં પુષ્પો ખીલતાં. રંગબેરંગી અને આકર્ષક. અમે તેમની પાસેથી નીકળીએ તો અમને આવકારે. માનોને વળગી જ પડે! અમે ખુશ થઈ જતા!

ઋતુઓ પલટાય; પ્રકૃતિનાં સ્વરૂપ બદલાય; ફૂલછોડનાં રંગરૂપ બદલાય!

અમે આ ફેરફારોને આનંદથી નિહાળીએ. અવલોકન તો એવું કરીએ કે પાનની લીલાશમાં પહેલી પીળી ઝાંય પડે તે ય અમારી આંખમાંથી બચે નહીં! એક પણ પરિવર્તન અમારી નજરથી છૂપું ન રહે. પરિવર્તન એ જીવનનો ક્રમ છે, તે સ્વીકારવાનો આ પહેલો પાઠ!

રસ્તાની બે તરફ વૃક્ષોની હાર: શિરીષ, ગુલમહોર, ગરમાળો અને અન્ય. તેમાંથી કેટલાક તો ખાસ્સાં ઊંચાં.

અમને હળવેથી સ્પર્શીને પવન વૃક્ષોને વીંટળાય; સડસડાટ ઉપરની ડાળીઓને પહોંચે; પાંદડાં હલાવે! અજબનો ફરફરાટ અવાજ આવે! ક્યારેક ધીરો પવન એવું તો સૂરીલું સંગીત છેડે! આ બધા અવાજ પણ ઋતુએ ઋતુએ, વૃક્ષે વૃક્ષે બદલાય!

વૃક્ષો પાસેથી પસાર થતાં અમારી નજર ઉપર ઊઠે. વૃક્ષોની ઊંચી શાખાઓ; તેનાથી યે ઊંચે, ખૂબ ઊંચે વાદળાંઓ! ભૂરું ભૂરું અનંત આકાશ! ડોક ઊંચી કરી અમે ખોવાઈ જતાં! લાગણીવશ બની વૃક્ષને ભેટી પડતાં!

તે લાગણીઓ શી હતી તે આજે વધારે સ્પષ્ટ સમજાય છે.

આજે મારા વિદ્યાર્થીઓને એન્વાયરન્મેન્ટના પાઠ ભણાવતા ભણાવતા ક્યારેક રોકાઈ જાઉં છું. એન્વાયરન્મેન્ટના લેસન દરેક સ્ટાન્ડર્ડમાં મૂકી દઈને આપણે આંખો બંધ કરી લીધી છે. કુદરતના, પ્રકૃતિના પાઠ ચાર દીવાલોની કેદમાં ભણાવવાના? અફસોસ થાય છે હવેની જનરેશન્સ માટે!

અમારા બાળપણે અમને સંવેદનશીલ બનાવ્યા –સજીવ સૃષ્ટિ પરત્વે, બાહ્ય જગત પરત્વે, પર્યાવરણ પરત્વે.

અમને પ્રકૃતિમાતા પ્રત્યે પ્રેમભાવ, અહોભાવ જન્મ્યો!

* * * * * * * * * * * * * * * *
(મૂળ પોસ્ટ પબ્લિશ થઈ:14/06/2006)


1 comment January 6, 2007

મા પ્રકૃતિની ગોદે

.

તે સમયે આઝાદ હિંદુસ્તાન માંડ દસ-અગિયાર વર્ષનું.
મારા બાળપણને પ્રથમ કૂંપળો ફૂટતી હતી. છતાં માનસપટ પર સઘળાં દ્રશ્યો ગહન રીતે અંકાયાં છે.

દેશને મળી હતી મુક્તિની અણમોલ સિદ્ધિ.
નવી ખુશહાલી! સમગ્ર દેશમાં નવું જોમ.
દેશવાસીઓની આંખોમાં નવાં નવાં સ્વપ્નાં.

મારા પિતાજીએ પણ સ્વપ્નના સહારે એક નિર્ણય લીધો.
શહેરની બહાર એક વિકસતા પરામાં ‘ઘરનું ઘર’ લેવાનો.

સુંદર વિકસતો પરા વિસ્તાર.
તેમાં આકાર પામતી એક નવી જ સોસાયટી. અને સોસાયટીમાં એક બંગલો. (કાનમાં કહી દઉં કે ‘સોસાયટી’, ‘કોલોની’ અને ‘બંગલો’ જેવા શબ્દો ત્યારે ખૂબ રોબ જમાવતા !!!)

શહેર છોડી અમે નવા ઘેર રહેવા આવ્યા.
જૂના પાડોશીઓ આવતા; અમારું નવું ઘર જોઈ ખુશ થઈ જતા.

બંગલાને પોતાનું કંપાઉંડ અને તેને ફરતે કંપાઉંડ-વોલ.
મારું બાળસહજ મન તો આ સ્વતંત્રતા પર ફીદા થઈ ગયેલું.

બારીમાંથી બહાર નજર નાખો; ખુલ્લું વિશાળ મેદાન.
થોડાં ઝાડ-ઝાંખરાં; કેટલીક નાની ટેકરીઓ.

પવન તો એવો વાય! ઝાડપાન હલે અને વિવિધ આકૃતિઓ સર્જાતી રહે.
ક્યારેક પવન ગાંડોતૂર થાય; ધૂળની ડમરીઓ ચડે!
ઉનાળાની બપોરે ક્યારેક તોફાની ચક્રવાત આવે; આકાશે પહોંચે ચક્રવાતના સ્તંભ!
છતાં ય ટેકરીઓ અડીખમ ઊભી રહે.

આ બધું જોયા કરવામાં અનોખો આનંદ આવે.

રાતે કંપાઉંડમાં બેસો તાજા મઝાના કૂણા ઘાસ પર.
ઠંડો મીઠો પવન ગુલાબ, મોગરા, જૂઈની ખૂશ્બુ લાવે!
ઉપર વિશાળ ગગન, દોડતાં વાદળો, ટમટમતા તારલા!
મા પ્રકૃતિ હૃદયના તાર ઝણઝણાવી દે!

આમાં તમે નિદ્રાધીન થાઓ ત્યારે કલ્પનાની પરીઓ તમારાં શિશુ-શમણાં સજાવી દે તેમાં શું નવાઈ!

ઘરમાં બેઠા બેઠા બહાર નજર કરો તો પ્રકૃતિ, ઘરમાંથી બહાર આવો તો પણ પ્રકૃતિ!!

ઘર કે બહાર જ્યાં હોઈએ ત્યાં અમને પ્રકૃતિમાતાનાં દર્શન થતાં.

મા પ્રકૃતિની ગોદમાં અમારું બાળપણ ખીલ્યું!

* * * * * * * * *
(બ્લોગર પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ: 14/06/2006)


1 comment January 5, 2007

મારી માતા

.

અમે તેમને બા કહેતાં.

બા નખશિખ સૌજન્યમૂર્તિ!
એવા તો પ્રેમાળ!

વર્ષો વીતી ગયાં બાના સ્વર્ગવાસને. પરંતુ આજે ય તેમની સ્મૃતિ આંખો ભીની કરે છે.

અત્યારે ઘડીભર મારી આ પ્રૌઢાવસ્થા પીગળી જાય છે અને તેમાંથી બાળપણ ખડું થાય છે.

અતીતનાં દ્રષ્યો!
સમજ-અણસમજ વચ્ચે પલતું બાળપણ!
અને એ બાળપણને પોષતો, અનરાધાર વરસતો માતૃપ્રેમ!
બાનાં જતનથી જીવનની પાંખડીઓ પાંગરવા લાગી!

બાએ જીવનની સૂરીલી સરગમની પિછાણ કરાવી.

બાનો સ્પર્શ: પ્રેમની પવિત્ર કોમળતા!
બાનું સ્મિત: અસ્ખલિત વહેતી સ્નેહ સરવાણી!
બાની વાણી: માનવસંસ્કારની અભિવ્યક્તિ!
કદી નહીં ભૂલાય બાનું સાન્નિધ્ય જે થકી મેં નિર્મોહ સંબંધની ઉષ્મા જાણી! અને નહીં ભૂલાય બાનો ખોળો જ્યાં મેં સંસારમાં દુર્લભ હૂંફાળી સુરક્ષા માણી!

એ સ્પર્શ, સ્મિત, વાણી! એ સાન્નિધ્ય! એ ખોળો!
તેનાથી જ તો મારું બાળપણ પોષાયું!
અને તે થકી મારું જીવન-ઘડતર પણ થયું!

બા! તમારા કેટ-કેટલા ઉપકાર!

કૃતજ્ઞતાથી, ભક્તિભાવથી શત શત વંદન!

* * * * * * * * * * *
(બ્લોગર પર મૂળ પોસ્ટ પ્રસિદ્ધ થઈ: 18/05/2006)


2 comments January 3, 2007


નમસ્કાર

“અનુભવિકા”: અતીતના સ્મરણોની યાત્રા.... ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ .... .... .... .... ... ... .. .. .. .. .. .. .. હરીશ દવે ... અમદાવાદ

Categories

Recent Posts

Archives

Recent Comments

હરીશ દવ… on અમદાવાદનું…
Harsukh Thanki on અમદાવાદનું…
Harsukh Thanki on અમદાવાદના …
himalek32 on અમદાવાદના …
વિશ્વદ… on અમદાવાદનું…

Blog Stats