Archive for March, 2007

વિસર્જન અને સર્જન

.

આગળ વાત આવી ગઈ: ઘર નજીકના મેદાનની.

અમારા ઘરની પાછળના ભાગમાં દૂર સુધી એક વિશાળ મેદાન ફેલાયેલું હતું.

થોડાં ઝાડ-ઝાંખરાં; કેટલીક નાની ટેકરીઓ. અમારા અભ્યાસ-ખંડની બારીમાંથી તે દ્રશ્ય નિહાળવામાં ભારે ખુશી થતી.

એકાદ વર્ષ માંડ વીત્યું હશે અને એક દિવસ અમારી ખુશીનો ખજાનો લૂંટાવા લાગ્યો!

રાક્ષસી કદનાં બુલડોઝરો અમારી ખુશીને જમીનદોસ્ત કરવા લાગ્યાં.

એક પછી એક ટેકરીઓ ધૂળમાં મળવા લાગી.

ઝાડપાન - ભલે ને કાંટાળાં - અમારા દોસ્ત બની ગયાં હતાં.

મેદાનની દુનિયા અમારા બાળ-મનની સ્વપ્નસૃષ્ટિ હતી. બુલડોઝરોથી ઊડતી ધૂળમાં અમારા બાળપણની રંગીન દુનિયા ઝાંખી થતી ગઈ.

ભાતભાતનાં રંગો જેમાં ખોજ્યા, તે સ્વપ્નસૃષ્ટિ આમ ધૂળધાણી થઈ શકે છે તેવો પદાર્થપાઠ કંઈક કંઈક સમજાયો.

જે સર્જાયું તે આમ જ વિસર્જિત થવાનું? સમજાઈ ગયું: જેનું સર્જન તેનું વિસર્જન.

તે થોડા દિવસો અમારી મસ્ત જિંદગીમાં ગમગીની ઘોળી ગયા.

ટૂંક સમયમાં વેરાન મેદાન પર પુન: પ્રવૃત્તિઓ વધવા લાગી.

વિસર્જનમાંથી ફરી સર્જન?

વખત વીતતો ગયો અને મેદાનનું નવું રૂપ પ્રગટતું ગયું.

જોતજોતામાં અમારી આંખો સમક્ષ એક વિખ્યાત ક્રિકેટ મેદાન અસ્તિત્વમાં આવ્યું. આ જ મેદાન પર અમે ભારતના જ નહીં, વિશ્વના ખ્યાતનામ ક્રિકેટરોને રમતા જોયા!

* * * * * * * * * * * *

(બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ 31/10/2006)

આજની પોસ્ટ ફેરફારો સાથે.


Add comment March 31, 2007

વાત્સલ્યમૂર્તિ બાપુજી

.

મમતા પિતૃત્વનો પણ પર્યાય હોઈ શકે તે દર્શાવવા જ ભગવાને અમારા પિતાશ્રીને ઘડ્યા હશે!

પિતાશ્રીને અમે “બાપુજી” કહેતા. બાપુજીએ અમને ખૂબ પ્રેમથી ઉછેર્યાં.

સૌષ્ઠવસભર તામ્ર-ગૌર દેહ, ભરાવદાર લાંબા હાથ, પ્રભાવિત કરતો ચમકદાર ચહેરો અને ખાનદાની નમણું નાક.

તેમનો પહેરવેશ પણ ચીવટભર્યો. દૂધ જેવાં સફેદ ધોતિયું અને ઝભ્ભો. સફેદાઈ માટે પોતાનાં કપડાં જાતે જ ધોવાનો આગ્રહ.

ગઈ સદીના આરંભમાં સૌરાષ્ટ્રમાં બાપુજીનો જન્મ. નાની ઉંમરે આત્મવિશ્વાસ અને કર્મશીલતાની મૂડી લઈને શહેરમાં આવ્યા. ખંત અને નિષ્ઠાથી પ્રતિષ્ઠિત કુટુંબોનો વિશ્વાસ જીત્યો; ઘરોબો કેળવ્યો; રોજીરોટીની સ્વમાનભેર વ્યવસ્થા કરી અને ગૃહસ્થજીવન સંભાળ્યું.

બાપુજીનો પરિવાર-પ્રેમ બેનમૂન. કુટુંબના વિકાસમાં બાપુજીનું યોગદાન અનોખું. તે જમાનાની ટૂંકા પગારની નોકરી; ટ્યૂશન કરી અધિક આવક ઊભી કરી; ભારે પરિશ્રમ વેઠીને અમારા બાનું “ઘરનું ઘર” વસાવવાનું સ્વપ્ન સાકાર કર્યું. અમને ભણાવી-ગણાવી પ્રેમથી ઉછેર્યાં.

બાપુજી વ્યવહાર કુશળ હતા. તેમણે જ્ઞાતિ-સમાજમાં મીઠાશભર્યા સંબંધો નિભાવ્યા. સોસાયટીની સ્થાપનાથી આજીવન મેનેજીંગ કમિટીના સભ્ય રહ્યા. જીવનના પાછલા વર્ષોમાં, નાદુરસ્તીના એક સમયગાળામાં, સમાજ અને સંબંધોના મૂલ્ય પરત્વે તેમને આશંકા થઈ હતી, પરંતુ જેઓએ નિ:સ્વાર્થભાવે સાથ નિભાવ્યો તે પરિચિતો-સંબંધીઓ પર તેમની શ્રદ્ધા ક્યારેય ન ડગી.

બાપુજીએ અમને પ્રેમમય કુટુંબની સુરક્ષા અને હૂંફ આપ્યાં. બા-બાપુજીના પ્રસન્નદાંપત્યની છાયામાં અમારા બાળપણની કૂંપળોનું સ્નેહ-સિંચન થયું. અમારી સાથે કૂણો માખણ જેવો, હેતે નીતરતો વ્યવહાર. ગુસ્સે તો ભાગ્યે જ, ભાગ્યે જ થાય. બહાર ગયા હોઈએ ત્યારે પણ અન્ય આગળ અમારું માન જાળવે, સાથે રાખે, પ્રેમથી સાચવે. ખરેખર સ્નેહમૂર્તિ!

બાપુજીએ અમારી સમક્ષ પરિવાર-પ્રેમનો આદર્શ રાખ્યો. ગૃહસ્થ જીવનનો આદર્શ રાખ્યો. બાળ-ઉછેરનાં ઉત્તમ તત્ત્વો અમને શીખવ્યાં. આ આદર્શો, આ તત્ત્વો અમારા માટે સદાયે પ્રેરક બની રહ્યાં.

મારી કોલેજ કારકિર્દી હજી પાંગરતી હતી અને અમારા પર વજ્રાઘાત થયો. એક ટૂંકી માંદગીમાં બાપુજીએ જીવનલીલા સંકેલી લીધી. ધૂપસળીની માફક જીવન જીવી બાપુજી સ્વર્ગે સિધાવ્યા, પરંતુ તેમણે પ્રસરાવેલી સુગંધ આજેય અમારા જીવનને સુરભિત કરે છે. તેમના આશીર્વાદ અમને વિપદામાં પણ હૂંફ આપે છે.

બાપુજી! નત મસ્તકે આપને ભીની ભીની શ્રદ્ધાંજલિ! ૐ!

..
(બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ 20/08/2006) આ પોસ્ટ સુધારા સાથે.
.


2 comments March 27, 2007

ભાર વિનાનું ભણતર!

..

ભાર વિનાનું ભણતર!

પાંચ દાયકા પહેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની સંપત્તિ : એક થેલી કે દફતર; તેમાં દેશી હિસાબ, બે-એક પુસ્તકો, સ્લેટ અને પેન. હા, સાથે એક નાનકડી ડબ્બી, તેમાં ભીના કપડાનો એક કકડો.

પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.

મારા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કરે છે: “સર, સ્લેટ એટલે શું?”

સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.

સ્કૂલે જતાં પહેલાં ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડીએ. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસીએ. “અણીદાર” બનાવીએ. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને “પાક્કી” કરીએ. બસ, “મોતીના દાણા” જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર.

સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોય, ગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ …. બધું કામ સ્લેટ પર કરો. કામ કરો, શીખી લો; ડબ્બી ખોલો, ભીનાં કપડાંથી સ્લેટમાં લખેલું ભૂસી નાખો.

ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો …. ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ:

”ચકી ચકી પાણી પી …. બે પૈસાનો બરફ લાવ …”

ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર!

આજે નાનકડાં ભૂલકાંઓને “ઈન્ફર્મેશન એજ”માં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના પામું છું. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો; દરેક વિષયના એક-બે પુસ્તકો, દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ …

આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું જ! બાળકને આપણે શું આપીએ છીએ?

અમે ભાર વગરનું ભણતર ભણ્યા, જીવનને સમજવાનું જ્ઞાન પણ રળ્યા!!
.


Add comment March 27, 2007

બાનાં હાલરડાં અને સંગીતરસ

બાનાં હાલરડાં અમારા માટે ચિરકાલીન સંભારણારૂપ ખજાનો બની ગયાં છે.

બાનાં હાલરડાંની હલકે અમે ભાઈઓ નિદ્રાધીન થતા. વર્ષો પછી તે જ હાલરડાંઓથી અમે મોટાભાઈઓનાં સંતાનોને અમારા ખોળામાં પ્રેમથી પોઢાડતાં!

મારા દીકરાને નાનપણમાં એ જ હાલરડાંના સૂરે મેં પારણે ઝુલાવ્યો!

મારા મિત્રો તથા તેમના સંતાનોએ તે સૂરોનો આનંદ લૂંટ્યો છે. અરે! ક્યારેક શાળાઓની મુલાકાતમાં, ક્યારેક ભૂલકાંઓના માતાપિતા સાથે ગોષ્ઠિમાં મેં હાલરડાં ગાઈ સૌને ભાવતરબોળ કરી દીધાં છે.

ઘોડિયે સૂતેલ બાળને ઝૂલવવા બા શરૂ કરે:

”હાલા ..આ …. હાલા ….. આ .. હાલા …આ …આ …….” એ લહેકામાં અજબનું ખેંચાણ!

પછી હોય કાનુડાની ફરિયાદ. :

“માડી હું તો કાંઈ ન જાણું …
વનરાવનમાં ગાવડી ચારું રે…

માડી મને એકલો જાણી …
માડી મને ટાપલી મારી રે …”

એ મસ્તીમાં ડૂબવાની શી મઝા! કાનુડાની વાત કયા બાળકને ન ગમે?

“એક સમયે હરિ ગોકુળિયામાં
રમતાં જાદવ રાય જો!

બળભદ્રજી કહે સુણો માતાજી,
માવો માટી ખાય છે!”

અને સૂરની સરવાણી આમ વણથંભી વહેતી રહે.

અમારી ઉંમર વધતી જાય; બાનાં હાલરડાં બદલાતાં જાય. ગીતો બદલાય; ગીતોના ભાવ બદલાય; ગીતોના સૂર બદલાય! સાથે અમારી સંગીત સૂઝ સમૃદ્ધ થતી જાય!

સહેજ મોટા થતાં અન્ય ગીતો ઉમેરાય:

”દરિયો ડોલે રે માઝમ રાતનો … “

તથા

“દરિયાનાં તીર રળિયામણાં રે

કાંઠે રમે નાનાં બાળ …. (2),

ન્હાતાં ગાતાં ને કાંઈ નાચતાં..

હાંરે રૂડાં તરાવે છે વહાણ …. કાંઠે રમે નાનાં બાળુડાં …”

શિવાજીના હાલરડાથી શરૂ કરી રામ-કૃષ્ણ ભક્તિનાં ભજન પણ હોય!

સઘળા કવનમાં આરોહ-અવરોહ તો મંત્રમુગ્ધ કરે જ, સાથે તેમાંથી ભાવ એવો મીઠો પ્રગટે કે બાળમનનો ઝંઝ નીંદરડીની ગોદમાં શમવા લાગે!

બાનાં મધુર હાલરડાંઓએ અમારા બાળપણને સંગીતની ગળથૂથી પાઈ.

મઝાની વાત એ થઈ કે પછી તો, બા પૂજા કરતા હોય ત્યારે ઘંટડીના અવાજમાંથી નિષ્પન્ન અવાજ તો ગમે જ, પરંતુ બા રસોડામાં હાથથી રોટલા ઘડતા હોય ને તેના ટપ .. ટપ … અવાજમાંથી યે તાલ સંભળાય. અરે! બા કપડાં ધોતા હોય ત્યારે ધોકાના ધબ …. ધબ .. અવાજમાથી પણ સંગીત જાગતું લાગે! અમને જીવનક્રમની એક એક ઘટનામાંથી સંગીત માણતાં આવડ્યું!

સંગીત કાનથી ભલે સાંભળો, ભાઈ! પણ જ્યારે હૃદયથી સાંભળશો, ત્યારે જીવન સ્વયં સંગીત બની જશે!

જીવનની પાંચ દાયકાઓની મારી યાત્રામાં બાએ પાયેલો સંગીતરસ હૃદયની એક એક ધડકનને પોષતો રહ્યો છે.

બિથોવન-મોઝાર્ટથી માંડી યાન્ની સુધીનું સંગીત શોખથી આત્મસાત કર્યું છે. એલ્વિસ પ્રિસ્લી અને આબાથી લઈ સેલિન ડાયોનના કંઠને જાણ્યો છે. રવીન્દ્રસંગીત, જુથિકા રે, ઓમકારનાથ ને સુબ્બાલક્ષ્મી – તલ્લીન થઈ આરાધ્યાં છે. રવિશંકર, યેહુદી મેન્યુહીન, વાન શિપ્લે, અમઝદઅલી ખાન, ઝાકીરહુસેન, શિવકુમાર, હરિપ્રસાદ, વિશ્વમોહન ભટ્ટ ….   સંગીતનું રસપાન પ્રેમથી કર્યું છે.

જો બાનાં હાલરડાં ન હોત તો કદાચ અમે સંગીતની દિવ્યતાને આજે ઉચ્ચ સ્તરે માણી શકતા ન હોત!

તો…. જીવનસંગીતની સાધના કદાચ અધૂરી રહી હોત!

* * * * * * * * * * * * * * * * * * * *
(બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ : જુલાઈ 9, 2006)


1 comment March 4, 2007


નમસ્કાર

“અનુભવિકા”: અતીતના સ્મરણોની યાત્રા.... ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ .... .... .... .... ... ... .. .. .. .. .. .. .. હરીશ દવે ... અમદાવાદ

Categories

Recent Posts

Archives

Recent Comments

હરીશ દવ… on અમદાવાદનું…
Harsukh Thanki on અમદાવાદનું…
Harsukh Thanki on અમદાવાદના …
himalek32 on અમદાવાદના …
વિશ્વદ… on અમદાવાદનું…

Blog Stats