Posts filed under 'સંસ્મરણો'

અમદાવાદના ઝૂલતા મિનારા

.

અમદાવાદ શહેરના વારસાનાં પ્રતીકો પર જાળાં બાઝી રહ્યાં છે.

‘હેરિટેજ’ વિશે વિદેશીઓ અને વિદેશી સંસ્થાઓનો રસ ફૂટતો રહે છે; તે ‘ઇમ્પોર્ટેડ’ રસ અમદાવાદીને, ગુજરાતીને, સરકારી સંસ્થાઓને ક્યારેક ‘વોક’ કરાવવા ય લાગે છે. પણ વળી ઠેરના ઠેર!

પિત્ઝા ખાતાં ખાતાં અમદાવાદી ઇટલી અને પિઝાના ઢળતા મિનારાની વાતો તો કરી શકે છે, પણ સામે ઊભેલા ઝૂલતા મિનારા વિશે બે શબ્દો બોલી શકતો નથી!

મારી આંખોમાં શાળાજીવન ખડું થાય છે.

કદાચ ત્રીજા ધોરણનો એ યાદગાર દિવસ. સ્કૂલમાંથી અમને ઝૂલતા મિનારા જોવા લઈ ગયા હતા.

નાનાં નાનાં  ગૃપ પાડી વારાફરતી ગૃપમાં મિનારાની ટોચે જવાનું.

ગોળફરતી, સાંકડી, અંધારી સીડી.

સંભાળીને એક એક પગથિયું ચઢવાનું. મિનારાની ટોચ પર નાનકડી પાળીવાળો ગોળાકાર ઝરૂખો. તેમાં ચાર હાથપગ ગોઠવી ગોઠણભેર થઈ જવાનું. બસ, અમે ઘોડા બની ઊભા રહ્યા; નીચેથી વ્યાયામ શિક્ષકની તૈયાર રહેવાની સિસોટી વાગી.

બે સશક્ત શિક્ષકોએ મિનારા હલાવવાશરૂ કર્યા. એક મિનિટ પછી મિનારા હલવા લાગ્યા!

અમે ઊંચાઈ પર હવામાં આમતેમ ઝૂલી રહ્યાં હતાં! ગતિને સમજવા સ્થિતિની સાપેક્ષતા ખપ લાગતી હતી. નીચે આસપાસની ધરતી સ્થિર હતી. એક ક્ષણ તો હૃદય થડકી ગયું. મિનારો પડી તો નહીં જાય!

કેવો રોમાંચક અનુભવ! અમદાવાદના ઝૂલતા મિનારાના વિસ્મય પર ધૂળ ચઢતી જઈ રહી છે.

નવી પેઢીની આંખો ઘડીની ફ્લેશમાં ચમકવા જ સર્જાતી લાગે છે. આંખ ઠારીને, હૃદય ભરીને જોવા-માણવાની કલા તેમની પાસે છે ખરી? કદાચ દ્રષ્ટિ છે, કલા પણ છે, પરંતુ ફુરસત નથી.

વાંક આપણો છે. આપણે સંસ્કૃતિને એ સ્તર પર લાવીને મૂકી છે. આપણે જ દુનિયાને દોડતી કરી મૂકી છે. નવી પેઢીનો શું વાંક?


2 comments May 31, 2008

અમદાવાદનું એરોડ્રોમ

.

 

નાની ઉંમરની બહુ જ ધૂંધળી યાદ છે.

વર્ષ હશે લગભગ 1960ની આસપાસ.

અમદાવાદ એરોડ્રોમ વિમાનઘર ની અમારી પહેલી મુલાકાત. હા, તે સમયે હજી એરપોર્ટ નામ નહોતું મળ્યું. બાળકને મન વિમાન એરોપ્લેનની કેટલી મોટી નવાઈ હોય!

એરોડ્રોમ પર ઊભેલા એરોપ્લેનને પ્રથમ વખત અંદર જોઇને જોયું.

આતંકવાદના જમાનામાં આજે આ વાત કોઈ માની ન શકે!

અમારા મામાને અમદાવાદના એક પ્રતિષ્ઠિત સેવાભાવી કુટુંબ સાથે ઘરોબો. તે પારસી કુટુંબના એક યુવાન સદસ્ય પાયલોટ તરીકે મુંબઈ-અમદાવાદની કોમર્શિયલ ફ્લાઇટ સંભાળે.

આજે પણ તે ગોરા, સોહામણા, હસમુખા, પ્રતિભાવાન પારસી પાયલોટ અંકલનો ચહેરો યાદ છે. કેટલા પ્રેમથી તેમણે અમને એરોડ્રોમ પર આવકાર્યા! વાતો કરતાં કરતાં અમને એરોપ્લેન સુધી દોરી ગયા. પાંચેક મિનિટ અમે પ્લેનમાં રહ્યા.

અમે ખુશ ખુશ થઇ ગયા.

બાળપણની નાનીમોટી ખુશીઓ આજે ય ચહેરે સ્મિત રેલે છે!


3 comments April 30, 2008

અમદાવાદમાં મોટર બસ અને બળદગાડું

.

બાળપણના એ દિવસો.

અમદાવાદમાં અમારો સ્ટેડિયમ એરિયા નવોસવો વિકાસ પંથે હતો.

તાજો બનેલો સ્ટેડિયમ રોડ.

ડામર રસ્તાની બે તરફના રોપાઓ  વૃક્ષ-અવતાર ધારણ કરી રહ્યા હતા.

મ્યુનિસિપાલિટી સંચાલિત એ એમ ટી એસની લાલ બસ અમારી સોસાયટી પાસે સ્ટેડિયમ રોડ પર દોડતી થઈ હતી. સરદાર પટેલ કોલોનીથી  લાલ દરવાજાનો 14 બી નંબરનો એ નવો રૂટ.

લેલેન્ડ કંપનીની લાલ બસ ભારે મગરૂરીથી રસ્તા પર દોડતી. અમને બાળકોને બસ અને તેનો ડ્રાઇવર કાંઇક પ્રભાવિત કરી જતાં.

તે દિવસોમાં રસ્તા પરનાં ઝાડવાંઓને પાણી પાવા બળદગાડું આવતું. બળદગાડામાં મોટું પીપ (લાકડાનું ? હા, કદાચ લાકડાનું જ .. બરાબર યાદ નથી! ) રહેતું. ગાડાવાળો એક પછી એક ઝાડ પાસે થોભી પાણી ઠાલવતો.

ક્યારેક એવું થતું કે એક જ સમયે રસ્તા પર લાલ બસ પણ હોય; બળદ ગાડું પણ હોય.

અમે જોઈ રહેતાં

ઘડી ભરમાં બસ તો અદ્રશ્ય થઈ જતી; ગાડું પોતાની ધીમી ચાલે આગળ ધપતું.

અમારું બાળમન વિચારમાં ડૂબી જતું.

નવી અને જૂની ટેકનોલોજી વચ્ચેની સ્પર્ધાની અમને પહેલી આછી પાતળી સમજ ત્યારે મળી.

નવા-જૂનાનો સંઘર્ષ જોતાં જોતાં જીવનની અડધી સદી ક્યારની યે પાર થઈ ગઈ છે.

જ્યારે નવા-જૂનાને કોઇ પ્રણાલીમાં એક રાગે તાલમાં જોઇએ ત્યારે એક રસ્તા પર ચાલતાં લાલ બસ અને બળદ ગાડાની યાદ આવે છે.


Add comment March 31, 2008

મામાનું ઘર કેટલે?

.

*

મામાનું ઘર કેટલે? પ્રશ્નનો જવાબ અમારા માટે તદ્દન સરળ હતો.

મારા મામાનું ઘર અમારા સ્ટેડિયમ એરિયામાં, માંડ દસેક મિનિટના રસ્તે.

મામાને ઘરથી ત્રણેક કિમી છેટું ગુજરાત યુનિવર્સિટી ટાવર દેખાતું. ત્યારે ફ્લેટસના જંગલો હજી નહોતાં ને! 

મોસાળમાં સંયુક્ત કુટુંબ હતું. નાનીજીની છત્રછાયામાં મોટા મામા અને નાના મામા બેઉનાં કુટુંબો દાયકાઓ સુધી સાથે રહ્યાં.

અમારા નાનાજી ગાંધીજી અને સરદાર પટેલના નિષ્ઠાવાન સાથી-કાર્યકર-સેવક. પણ કુટુંબ માટે ક્યારેય તે સંબંધોનો લાભ ન લીધો. જેવા સિદ્ધાંતવાદી નાનાજી, તેવા જ બંને મામા. જીવનભર ખાદીનો ઝભ્ભો-ધોતિયા-ગાંધી ટોપી અપનાવ્યાં; છતાં ગાંધી-સરદારનાં નામ ન તો વટાવ્યાં, ન અભડાવ્યાં.

બંને મામા - બે ભાઈઓ  જાણે રામ-લક્ષ્મણની જોડી!  જ્ઞાતિ માટે, સમાજ માટે પ્રેરણારૂપ કુટુંબ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ.

બંને મામા મિષ્ટભાષી, મિતભાષી. શબ્દે અને વ્યવહારે સૌજન્ય નીતરે!  

બંને મામાનો પ્રેમ અમને ભીંજવી દે.

નાના મામા તોફાન-મસ્તી કરાવે; સાયકલ પર ઠેઠ થલતેજ ટેકરે શાંતિનાથ મહાદેવ ‘પિકનિક’ પર લઈ જાય; ક્યારેક ઇન્કમટેક્સ- વિદ્યાપીઠ સામે નદીએ ન્હાવા લઈ જાય! અમારાં બાળહૈયે તો હરખ ન માય!

મોટા મામા પાસે હંમેશા બૌદ્ધિક ઘડતર, સંસ્કાર અને જીવનમૂલ્યોની વાતો હોય. મોટા મામા જાણીતી કોલેજમાં હેડ ક્લાર્ક. સાંજે સાત-આઠ વાગ્યે ઘેર આવે. સાયકલ પરની થેલીમાંથી રસભર્યાં, જ્ઞાનવર્ધક મેગેઝિન્સ નીકળે.

‘મુંબઈ સમાચાર’, ‘જન્મભૂમિ’. ‘ફ્રી પ્રેસ જર્નલ’ પણ ક્યારેક હોય. અમે ખુશ થઈ જઈએ. પ્રસંગોપાત મામા ફ્રી પ્રેસ જર્નલનાં હેડિંગ્ઝ વંચાવે, સમજાવે, ચર્ચા કરે.  

મોટા મામાએ અમને ‘કુમાર’નો રંગ લગાડ્યો; ‘અખંડ આનંદ’, ‘નવનીત’ અને ‘સમર્પણ’નો છંદ લગાડ્યો; ‘ધર્મયુગ’ અને ‘ઇલસ્ટ્રેટેડ વિક્લી’ની દોસ્તી કરાવી! અમે કાળજીપૂર્વક વાંચીએ અને સંભાળપૂર્વક સામયિકો મામાની થેલીમાં ગોઠવી દઈએ.

સામયિકો બીજે દિવસે સવારે કોલેજમાં સલામત પહોંચી ગયા હોય, પણ તેમાંનું જ્ઞાન-અમૃત અમારી પ્રતિભાને તેજોમય કરી ગયું હોય!

મામા અમારી શૈક્ષણિક કારકિર્દીમાં પણ ઊંડો રસ લે. આગળ ધપવા પ્રેરણા આપે.

નાના મામા બે એક વર્ષ અગાઉ અમને છોડી ગયા.

થોડા દિવસ પહેલાં મોટા મામા પણ સ્વર્ગે સિધાવ્યા.  

જેમની શીળી છાયામાં ઊછર્યા  તે વડીલો એક પછી એક જીવન પટેથી વિદાય લઈ રહ્યા છે.  સૌને શત શત પ્રણામ!

સમયના વહેવા સાથે જીવન સમૃદ્ધ બને છે કે રાંક બને છે તે ક્યાં સમજી શકાય છે?

 *  *   *   *   *   *  *


Add comment February 29, 2008

અમદાવાદનું “ફરતું સિનેમાગૃહ”

**

અમદાવાદના અમારા બાળપણનું એક ખોવાયેલું દ્રશ્ય લારીવાળા બાયોસ્કોપનું છે.

સાચું પૂછો તો, સિનેમાની મઝા માણ્યાનો આછો એહસાસ ત્યારે થતો જ્યારે લારીવાળા બાયોસ્કોપવાળા ફરતા સિનેમાગૃહમાં ફિલ્મ જોવા મળતી.

છએક મહિને એકાદ વખત સોસાયટી ગુંજી ઊઠતી- હસતા હુઆ નૂરાની ચહેરા… કાલી ઝુલ્ફેં રંગ સુનહરા …  ઘસાયેલા કર્કશ અવાજમાં રેકર્ડ પર ગીત સંભળાય કે સમજવાનું ફરતી લારીમાં બાયોસ્કોપ-સિનેમાગૃહ આવી પહોંચ્યું!

ધકેલીને લત્તે લત્તે ફેરવી શકાય તેવી ચાર પૈડાંની લારી.

તેના પર કુશળતાપૂર્વક ઊભું કરેલું સિનેમાઘર. તેની ટોચ પર ગ્રામોફોન.

સિનેમાઘર વળી કેવું? લારી પરનું મોટું બોક્સ.

બોક્સની બહાર અવાજ કરીને ફરતું પ્રોજેક્ટરનું ચકરડું. તેના પરથી સરકતી ફિલ્મની પટ્ટી.

બોક્સને ફરતે ઉપરના ભાગમાં રાજકપૂર, દેવ આનંદ, દિલીપકુમાર જેવા અભિનેતાઓના તથા નરગીસ, મધુબાલા, વહીદા રહેમાન આદિ અભિનેત્રીઓના ફોટાઓ. ફોટાઓની નીચેના ભાગમાં બોક્સ ફરતે બાયોસ્કોપ જેવી ઢાંકણાંવાળી નાનકડી ગોળ બારીઓ.

ઢાંકણું ખોલો તો એક બારી પર માંડ એક ડોકું સમાઈ શકે! અંદર નજર કરો એટલે પડદો દેખાય. તેના પર ફિલ્મ પડે. ફિલ્મ શું,  મારા ભાઈ!  કોઈ ડબ્બાની ફિલ્મની ઘસાઈ ગયેલી પટ્ટીના ટુકડાઓ!

બોક્સની ઉપર ગ્રામોફોનમાં 78 આરપીએમની આંકા ભૂંસાયેલી લોંગ પ્લે રેકર્ડમાંથી કર્કશ સૂર નીકળે મેરા દિલ યે પુકારે આ જા …..

બાળકો દોડે! બારી પર બે હાથ વચ્ચે એક એક ડોકું ફસાય!

ફિલ્મ શો ચાલુ થાય.

ઘડીભર તો સમજાય નહીં કે પ્રોજેક્ટરની ફરતી રીલનો ટક..ટક .. ટક..ટક અવાજ સાંભળવો કે કર્કશ રેકર્ડનું ગીત સાંભળવું.

સાથે પડદા પરનાં કાળાં-ધોળાં હાલતાં ચાલતાં હીરો-હીરોઈનોના ચહેરા ઓળખવાનો માસુમ પ્રયત્ન યે કરવો પડે! કહે છે ને કે જેવી ભક્તની શ્રદ્ધા, તેવું તેને ભગવાનનું રૂપ દેખાય! અમારે કાંઈક એવું થાતું. પડદાથી દૂરની બારીવાળાને જે ભારતભૂષણ દેખાય, તે જ હીરો નજીકની બારીવાળાને મોતીલાલ રૂપે દેખાય!!!

નાટક ખરું ત્યારે થાય જ્યારે એલપી રેકર્ડની ખાંચમાં પીન ભરાય … એક છોટી-સી ઝલક મેરે મિટને તલક .. ઓ ચાંદ … ઓ ચાંદ મેરે દિખલા જા … ચાંદ મેરે દિખલા જા …. ચાંદ મેરે દિખલા જા …. ચાંદ મેરે દિખલા જા … ચાંદ મેરે દિખલા જા … …

બસ, આવું થતું રહે ત્યાં સટા..ક અવાજ  થાય ને પડદા પર ઠુમકતી નિરૂપા રોય ગાયબ! ડોકું ફેરવો ત્યારે સમજાય કે ફિલ્મની પટ્ટી તૂટી ગઈ! હાય! દિલકા ખિલૌના હાયે તૂટ ગયા!!!

બે આનામાં ઊભા ઊભા માણેલું એ મનોરંજન આજે મેગા સિટીના મલ્ટીપ્લેક્સની પુશ-બેક ચેરમાં શોધવું પડે છે!!!

 * *   * *


6 comments January 7, 2008

અમદાવાદ, ફિલ્મ-સિનેમા અને બાયોસ્કોપ

*

અમદાવાદની ગલી-શેરીઓમાં આજે તેમને શોધું છું.

નથી દેખાતાં બાયોસ્કોપ, નથી દેખાતી ફિલ્મની લારી.

“બાયોસ્કોપવાળા ફરતા સિનેમાગૃહ”ની લારીની વાત ફરી કરીશું. આજે યાદ કરીએ બાયોસ્કોપને.

સાડા ચાર દાયકા ઉપરનો સમય. લગભગ પાંચ દાયકા સમજો ને!

નવા રૂપરંગ સજતું અમદાવાદ. નવા વિકસતા પરા – નવરંગપુરાસ્ટેડિયમ વિસ્તારના ખોળે બાળપણ.

ત્યારે થિયેટર – સિનેમા ગૃહ માત્ર શહેરના કોટ વિસ્તારમાં જ.

આજના અમદાવાદનો ધમધમતો આશ્રમ રોડ કોરોકટ હતો. ન નટરાજ, ન શિવ, ન શ્રી થિયેટર. અરે! હજી લાલ દરવાજા વિસ્તારનું રૂપાળું રૂપાલી થિયેટર પણ બન્યું ન હતું. આજની જેમ રોજ ફિલ્મ દેખાડતું ટીવી તો હજી આવ્યું જ ન હતું.

અમારું મનોરંજન કરવા મહિને- બે મહિને એકાદ વાર એક હિંદીભાષી બાયોસ્કોપવાળા કાકા આવતા.

હાથમાં ડમરુ. માથે પાઘડી ઉપર બાયોસ્કોપનો બોજ.

ડમરુ વાગે ને મીઠી હલકે અવાજ નીકળે: “નિગાહ રખકે દેખો અપના દિલ્હી આગ્રા દેખો ભાઈ..”

સોસાયટીની વચ્ચે બાયોસ્કોપ ગોઠવે. બાયોસ્કોપમાં ફરતે પાંચ કે છ નાનકડી ગોળ બારીઓ ઢાંકણાથી બંધ થયેલી રહેતી.

બાળકો આવતાં જાય ને બાયોસ્કોપની ફરતે એક એક બારી પાસે એક એક બાળક ગોઠવાતું જાય. બારીનાં બંધ ઢાંકણાં ખુલતા જાય. એક એક બારી પર એક એક ડોકું ગોઠવાતું જાય.

શો શરૂ થાય … “નિગાહ રખકે દેખો અપના દિલ્હી આગ્રા દેખો ભાઈ..” અંદર લાલ કિલ્લો, કુતુબ મિનાર, તાજમહાલ અને બીજાં દ્રશ્યો આવતાં જાય. આંખો પહોળી થતી જાય.

આનંદ ઊભરાતાં ડોકું હલે! ત્યારે સમજવાનું કે બે-ચાર મહિનાની ખુશી નાનકડા હ્રદયમાં સમાઈ ગઈ.

પાંચ પૈસાના એક સિક્કામાં સિનેમા જોયા જેટલા આનંદની ઝાંખી થઈ જાતી.

* * *  *


1 comment December 31, 2007

બાળપણમાં જોયેલી જાહેરાતો

.

અમારા સ્ટેડિયમ વિસ્તારને મ્યુનિસિપાલિટીની બસ સેવાનો લાભ જલદી મળી ગયો હતો.

લાલ દરવાજા જવા માટે બસ નંબર “14બી” અને સ્ટેશન માટે 22.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ એવા “એ એમ ટી એસ”ની બસોને સૌ કોઈ “લાલ બસ” તરીકે ઓળખતા. લાલ બસ પર પાછળ તથા સાઇડમાં એડવર્ટાઇઝમેન્ટસ – જાહેરાતો રહેતી.

અમને લાલ બસ પરની જાહેરાતો જોવામાં વાંચવામાં મઝા પડતી.

આજે આધુનિક જીવનમાં એડવર્ટાઇઝમેન્ટસનો આપણા પર મારો ચાલી રહ્યો છે. ટીવી, રેડિયો, મેગેઝિન્સ, ન્યૂઝપેપર્સ, મોટાં મોટાં હોર્ડિંગ્સ, નિયોન એડઝ … બધે જાહેરાતો ઝળકે છે.

તે જમાનામાં ટેલિવિઝન ન હતું. રેડિયો પર કદી એડ આવતી ન હતી. તેથી બસની એડવર્ટાઇઝમેન્ટસ અમને ખૂબ આકર્ષતી.

કેવી હતી એ જાહેરાતો?

સૌથી વધારે યાદ રહેલી જાહેરાત “ઝરણ” કેશ તેલની. તે શબ્દ “ઝરણ”માં “ર” બહુ જ વિચિત્ર રીતે લાંબા વાળ સૂચવતો હોય તેમ લખાતો. તે વિચિત્રતા નાના-મોટા સૌના આકર્ષણનું કેન્દ્ર બનતી.

આપ વાચક મિત્રોને નવાઈ લાગશે પણ અન્ય એડવર્ટાઇઝમેન્ટસમાં પનામા સિગારેટ અને તાજ છાપ વર્જિનીયા સિગારેટ ખૂબ જોવા મળતી. આ બેમાંથી એક “ઉમદા” કે “ઉત્તમ” સિગારેટ તરીકે આવતી …

કેટલીક બસની જાહેરાતો પ્રિંટ મીડિયા (ખાસ કરીને અખંડ આનંદ અને નવનીત) માં યે આવતી; લાલ દરવાજા વિસ્તારમાં હોર્ડિંગ્સ પર પણ દેખાતી.

આ બધી જાહેરાતો સ્મૃતિપટ પર એક બીજીમાં ભળી જાય છે. આવી જાહેરાતોમાં અભિનેત્રી નંદાની લક્સની એડ ઉપરાંત “સુંદરી સંજીવની” અને “જબાકુસુમ”ની જાહેરાતો હતી. દંતમંજન માટે નેગી કંપનીનો “વાંદરા છાપ” કાળો ટૂથ પાવડર,, “વુડઝવર્થ” અને “બાબુલીન” ગ્રાઇપ વોટરની એડ પણ ખૂબ દેખાતી. (કોઇ વયસ્ક વાચક મિત્રોને આ યાદ હોય તો કોમેન્ટમાં જરૂર લખશોજી).

જીવનના પાંચ દાયકા પછી પણ આ બધી એડઝ ઊડીને નજર સામે ચમક્યા કરે છે! એડવર્ટાઇઝમેન્ટસની અસર બાળ મન પર કેટલી જોરદાર હોય છે!


2 comments November 30, 2007

રંગવિહોણું બાળપણ

.

ઘણી વાર વિદ્યાર્થીઓ કહે છે: આપ આપના બાળપણના યુગની ઊજળી તસ્વીર રજૂ કરો છો. અમારા વર્તમાન સમયની ઊણપો વર્ણવો છો. છતાં આપના સમયમાં પણ કોઈક કમી હશે .  આજની કોઈ બાબતો એવી પણ હશે જે તમે નહીં માણી શક્યા હો …

દોસ્તો! દરેક યુગની પોતપોતાની પોઝિટિવ-નેગેટિવ – હકારાત્મક-નકારાત્મક – બાજુઓ હોય છે.

વર્તમાનને કોસવાનો મારો કોઈ ઈરાદો નથી. જીવનના દરેક તબક્કાને જે તે સ્વરૂપમાં સ્વીકારવામાં સમજદારી હોય છે. પણ પ્રશ્ન ઊઠ્યો જ છે, તો વાત કરી લઈએ.

આજના બાળપણ પાસે કેટલીક એવી સમૃદ્ધિ છે, જે અમારા બાળપણ પાસે ન હતી.

એક ઊડતી નજર નાખીએ.

આજના બાળપણ પાસે જે રંગોની સમૃદ્ધિ છે, તે અમારા બાળપણે ન માણી.

મને સૌ પ્રથમ ગમે છે આજનું રંગબેરંગી બાળસાહિત્ય.

કેવાં સુંદર બાળપુસ્તકો!! ગ્લૉસી પેપર પર રંગીન ચિત્રો, સુંદર અક્ષરો અને સરસ છપાઈ! બાળકની કલ્પનાના ઘોડા ઊડવા લાગે તેટલાં આકર્ષક આ પુસ્તકો! બાળપણમાં ખૂબસૂરત રંગો ભરી દે તેવાં પુસ્તકો!

અમારા બાળપણમાં બ્લેક-એન્ડ-વ્હાઇટ છપાઈવાળાં પુસ્તકો હતાં. રંગીન પુસ્તક પહોંચ બહારની ચીજ. અલીબાબાની વાર્તામાં ગુફામાં ચમકતી સોનામહોરો ક્યાં દેખાય? વાર્તાના કે પાઠ્યપુસ્તકમાં બેએક ગ્લૉસી પ્રકારનાં પાનાં કદાચ રંગીન હોય તો પણ છપાઈનું ધોરણ ઊતરતું! ભવ્ય મહેલમાં મોગલ બાદશાહના દરબારનું ચિત્ર હોય, પણ શ્વેત-શ્યામ ચિત્રમાં ઠાઠમાઠ કે ઝાકમઝાળ ક્યાં દેખાય? બહુ જ ખટકે.

બીજું, આજે બાળક પાસે ટીવી તથા રૂપેરી પડદા પર રંગીન ફિલ્મ્સ છે. અમારી તો ફિલ્મો પણ બ્લેક એન્ડ વ્હાઇટ. અમારી કલ્પનાશક્તિ ચિત્રો આગળ અટવાઈ જાતી.

જો અમને ખુલ્લા આકાશના રંગો, લીલાંછમ છોડ-વૃક્ષ-વેલ પરનાં રંગબેરંગી ફૂલો તેમજ રંગીન પતંગિયાંઓની દોસ્તી ન હોત તો અમારી કલ્પનાશક્તિ સાચે જ કુંઠિત રહી જાત.

.


1 comment October 31, 2007

સાયકલ-સવારી: વિચિત્ર કાયદા

.

બાળપણની સાંજનાં દ્રશ્યો આંખે તરવરે છે.

સંધ્યા સમય થતાં ઘણી વાર અમે સ્ટેડિયમ રોડ પર ફરવા નીકળતાં (ઈવનિંગ વોક!).

ગણીગાંઠી પીળી બત્તીઓ નીચે સૂતેલો અંધારો – અજવાળિયો રોડ.

ભાગ્યે જ ખડખડતી કોઈ ટ્રક કે બસ. નસીબવંતાની કોઈક મોટરકાર. જવલ્લે દેખાતાં દ્વિચક્રી વાહન. પણ સારી એવી સંખ્યામાં સાયકલ.

સરકાર પણ સાયકલ સવારો પર એવી “મહેરબાન” કે કાયદા બનાવી નાખ્યા સાયકલ સવારી માટે! આજના જમાનામાં કોઈ માની શકે?

પહેલો કાયદો ડબલસવારીના પ્રતિબંધનો. એક સાયકલ પર બે જણા ન બેસી શકે ….

બીજો કાયદો: અંધારા પછી તમે પ્રકાશમાન બત્તી (લાઈટેડ લેમ્પ) વગર સાયકલ ન ચલાવી શકો. અંધારામાં કોઈ વાહન તમારી સાયકલ સાથે ભટકાઈ પડે તો?

સાયકલના ગવર્નર પર મધ્યભાગના હેન્ડલ પર સાયકલ-લેમ્પ ભરાવવાનો નાનો ક્લેમ્પ આવતો. શરૂઆતનાં વર્ષોમાં બત્તી કેરોસીનથી ચાલતી. પછી બેટરી-સેલથી ચાલતા લેમ્પ આવ્યા.

વિચાર કરો- રોજ બત્તીમાં કેરોસીન ભરવાનું! પાસે દિવાસળીની પેટી (મેચ-બોક્સ) રાખવાની. સાંજે કામધંધા-નોકરી પછી અંધારું થયું હોય તો પહેલાં બત્તી ચાલુ કરો, પછી જ સાયકલ પર બેસો!

સાયકલના આ બેમાંથી કોઈ કાયદાનો ભંગ કર્યો તો પોલિસ તરત વ્હીસલ મારે; બે-પાંચ રૂપિયાનો ચાંલ્લો! ઘણે ભાગે દંડ ભરવા તમારે કોર્ટમાં (ભદ્ર કે ઘીકાંટા?) જવું પડે!

કેવા વિચિત્ર લાગે સાયકલ સવારીના કાયદા!

.


Add comment September 14, 2007

અમદાવાદનું લૉ ગાર્ડન

.

બાળપણની એક મધુર સ્મૃતિ લૉ ગાર્ડનની છે.

તે જમાનામાં અમદાવાદમાં લૉ ગાર્ડન બાળકો માટે સ્વર્ગ સમાન હતું. ત્રણ- ચાર મહિને એકાદ વાર શનિવારે કે રવિવારે સાંજે લૉ ગાર્ડન જવાનું. ઘેરથી ચાલતાં જ જઈએ. વીસેક મિનિટમાં દોડતાં-કૂદતાં પહોંચી જઈએ.

ત્યારે સીજી રોડ પર શોપિંગ કોમ્પ્લેક્સનાં આક્રમણ (અને અતિક્રમણ !!!) નહોતાં થયાં નવરંગપુરાનું મ્યુનિસિપલ માર્કેટ તો વર્ષો પછી બન્યું. આખા રસ્તે બંગલા હતા.

તે રસ્તો પણ આજના જેવો ધમાલિયો, ઘોંઘાટિયો ન હતો.

રડી-ખડી મોટરો, થોડાં સ્કુટર્સ, ઝાઝી બધી સાયકલો. કોઈ વાહન તમને ધમકાવતું ધસી ન આવે! મોટેરાંની આંગળી પકડી ટેસથી ચાલો! ફૂટપાથ પર તો બેધડક છૂટા ચાલો. કોઈ ડર નહીં. ખુદ રસ્તો તમને નિર્ભયતાના પાઠ શીખવે!!

સ્વસ્તિક સોસાયટી છોડો એટલે આગળ જતાં રસ્તામાં બે યાદગાર બંગલા આવતાં.

એક બંગલામાં (કદાચ ડો. ગુપ્તાનો બંગલો?) વાઘ જેવો તંદુરસ્ત આલ્સેશિયન કૂતરો હતો. બંગલાના બંધ ગેઈટ પાસે, બહારથી અમે ઝાંકીને તે કંપાઉંડમાં ફરતા કૂતરાને જોયા કરતા. નવાઈ પામતાં! વિદેશી નસ્લના કૂતરાનો આ પહેલો પરિચય.

અન્ય યાદગાર બંગલો તે લાલ બંગલો ઉર્ફે “દિલખુશ” બંગલો (?). આજે પણ ઊભો છે. અમદાવાદ વર્ષોથી આ પ્રસિદ્ધ બંગલાને લાલ બંગલા તરીકે ઓળખે છે. લાલ બંગલો આવ્યો એટલે લૉ ગાર્ડન આવ્યું સમજો. 

બસ, સહેજ આગળ જઈ ડાબા હાથે વળો, એટલે સમર્થેશ્વર મહાદેવનાં દર્શન થાય.

લૉ ગાર્ડન પહોંચો એટલે રાજા. આવી મુક્ત, પ્રસન્ન કરી દેતી જગ્યા ક્યાં મળવાની?

ચોમેર લીલોછમ ગાલીચો! સરસ મઝાની જગ્યા શોધી મોટેરાં ત્યાં બેસી જાય; અમે તેમની પાસે ચંપલ કાઢીને દોટ મૂકીએ. (જી હા, ચંપલ! ત્યારે હજી બાળકોનાં પગ પર “બૂટ-મોજાં” ઓછાં ચઢતાં, સાચું કહું તો, આર્થિક સ્થિતિ પણ એવી નહીં !)

આંખ ઠારતી હરિયાળી હવે પગને ગલગલિયાં કરવા લાગે!

રંગબેરંગી ફૂલછોડને મનભરીને માણો. પચરંગી પતંગિયાં પાછળ દોડો! થોડાં નાનકડાં તળાવો, તેના પર લાકડાના અર્ધ-ગોળાકાર કમાન-આકારના નાના પુલ! પુલ પર રેલિંગ પાસે ઊભા રહી હાથ લંબાવો, તેની છાયા પાણીમાં જુઓ!! આકાશનાં વાદળાંઓનાં પ્રતિબિંબ નિહાળો! મઝા પડી જાય. ક્યારેક પાણીમાં ખીલેલું કમળ પણ જોવા મળી જાય.

આગળ વધો, આવે ફુવારો! નવસર્જિત ભારત દેશની પ્રદૂષણ રહિત તાજી હવામાં લહેરાતાં ફુવારાનાં જળબિંદુઓ તમારા પર તાજગીનો અભિષેક કરે! ક્યારેક પોલિસ બેંડને માણ્યાનું ય ઝાંખું ઝાંખું યાદ છે.

રમી-કૂદી લીધું; હવે દસ-વીસ પૈસાનાં “ચણા-જોર-ગરમ”!!! ઢેર સારી ખુશીઓથી હૃદય ભરાઈ જાય.  પછી, સમર્થેશ્વર દાદાનાં દર્શન કરીને ઊછળતાં-કૂદતાં ઘેર!

જીવનના પાંચ દાયકાઓની દીવાલ વળોટીને પણ મધુર સ્મૃતિઓ બેઠી થાય છે.

દસ-વીસ પૈસામાં માણેલી સાંજની એ ખુશી આજે ય હૈયે મહેકે છે.

અતીતને વળગી રહેવાની વાત નથી; વર્તમાનના અસ્વીકારની વાત નથી. પરિવર્તન સામે ફરિયાદે ય નથી.

પરંતુ આધુનિકતામાં પીસાતાં જીવનમાં બાળપણને ગૂંગળાતું જોઈને દયા આવે છે.

મલ્ટીપ્લેક્સ અને શોપિંગ મોલ્સની ચકાચોંધમાં ભટકતું બાળપણ ક્યારે ય જીવન ભર મહેકતી રહે તેવી ખુશી પામી શકે છે?

.


1 comment August 31, 2007

Previous Posts


નમસ્કાર

“અનુભવિકા”: અતીતના સ્મરણોની યાત્રા.... ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ .... .... .... .... ... ... .. .. .. .. .. .. .. હરીશ દવે ... અમદાવાદ

Categories

Recent Posts

Archives

Recent Comments

હરીશ દવ… on અમદાવાદનું…
Harsukh Thanki on અમદાવાદનું…
Harsukh Thanki on અમદાવાદના …
himalek32 on અમદાવાદના …
વિશ્વદ… on અમદાવાદનું…

Blog Stats