આસમાનની પેલે પાર

.

સ્મૃતિપટલ પર કોતરાયેલી કેટલીયે કથાઓ ફરી વાંચી શકાતી નથી.

જો વાંચી શકાય તો આલેખી શકાતી નથી.

પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે કે કે કોઈ ને કોઈ સ્વરૂપે તમારી આસપાસ ચકરાયા જ કરતી હોય છે.

બાળપણનું એક ખૂબ મઝાનું સ્મરણ છે આકાશ સાથેની રોમાંચક દોસ્તી.

બાળક માટે આકાશ ભારે કૂતુહલનો વિષય બને છે; સાથે જ પ્રેમનો પણ. બારીમાંથી દેખાતો આકાશનો ટુકડો બાળક માટે અણમોલ ખજાનો બની શકે છે. જે બાળક પાસે આકાશનો એક ટુકડો નથી, તે બાળક બાળપણના એક મહામૂલા રોમાંચથી વંચિત રહી જાય છે. રીસાઈ ગયેલા બાળક માટે આકાશ અજીબ સહારો બની જાય છે.

મને સ્પષ્ટ યાદ છે. ઘરની બારીમાંથી બહાર નજર કરો અને આકાશ જ આકાશ દેખાય. ધાબા પર જાઓ, તો તો નિ:સીમ નીલ રંગમાં ખોવાઈ જાઓ! સવારે ઊગતા સૂરજ દાદા, સાંજે રતાશ પડતા પીળા કે સ્વર્ણિમ આકાશમાં આથમતા સૂરજ દાદા.

દિવસ દરમ્યાન જાતજાતના આકારોમાં દોડાદોડી કરતાં રૂના પૂંજ સમાં વાદળો. (અને તે આકારોને કાંઈક કાંઈક નામ આપવાની કેવી મઝા આવે! જોતજોતામાં તે આકાર બદલાઈ જાય! દરેક આકારને નામ છે તથા જેને આકાર છે, નામ છે, તે પરિવર્તનશીલ છે, નાશવંત છે તેવું વેદાંતજ્ઞાન તો મોટી ઉંમરે મળ્યું! )

રાત્રે ચમકતા તારલાઓની વચ્ચે પ્રેમથી મલકતા ચાંદામામા. પૂનમની રાતે મન મોહી લેતા થાળી જેવા ચાંદામામા. તેમાં ડોશી અને સસલું અને ન જાણે શું શું શોધવાની મઝા! તે વાતો વર્ષો સુધી પહેલી બની રહી!

સાંજે સ્કૂલેથી ઘેર આવી બહાર કંપાઉંડમાં આવીએ … સૂરજદાદા ઢળતા હોય અને આકાશ અગણિત પક્ષીઓથી ભરાઈ જતું હોય … પંદરેક મિનિટ સુધી પક્ષીઓનાં ઝૂંડનાં ઝૂંડ પૂર્વ દિશામાં ઊડતાં નિહાળવાની એટલી તો મઝા આવે! બા કહેતાં કે દિવસે ચણ ચણીને પક્ષીઓ સાંજે પોતાને ઘેર - માળા ભણી – જતાં હોય. કેટલાક તો વ્યવસ્થિત હારમાં શિસ્તબદ્ધ રીતે ઊડતાં જતાં હોય! આગળપાછળ થાય પણ બીજાને ખલેલ પાડ્યા વગર.. અમે જોયા જ કરીએ! બસ, જોયા જ કરીએ!

પંખીને કેવી મઝા! ગૃહકાર્ય – હોમવર્ક- નહીં કરવાનું!! જ્યાં ઈચ્છા થાય, વિના રોકટોક પહોંચી જવાનું!! રૂ જેવા પોચા પોચા વાદળોની ભાઈબંધી કરવાની! તેમની સાથે વાતો કરવાની! વળી ઊંચે, ખૂબ ઊંચે ઊડવાનું.

આકાશમાં કોણ કોણ રહેતું હશે! બા કહેતાં- ભગવાન રહે છે! અને દાદાજી-દાદીમા પણ .. જેને ભગવાન બોલાવી લે, તે બધાં આકાશમાં રહે!!!

પક્ષીએ તો આકાશની યે પાર ઊડવાનું!!

આકાશની પછી શું હશે? આસમાનની પેલે પાર કેમ જવાતું હશે?

બાળમનમાં ઊઠેલા આ પ્રશ્નોમાં આજે પણ ઉલઝી જવાની એવી મઝા આવે છે – જીવનના પાંચ દાયકા પાર કર્યા પછી પણ !!!

*  *  *

2 comments July 31, 2007

લો! હવે પાક્કી ઓળખાણ!

કેટલાક મિત્રો અતિ ઉત્સુક થઈ ગયા છે.

તેમની ઉત્સુકતા કેવી છલકાઈ રહી છે! મને કેટલાક ઈ-મેઈલ મળ્યા છે જેમાં પ્રશ્નો ઉઠાવાયા છે કે હું જે નવા વિસ્તારની, સ્ટેડિયમની, સોસાયટીની, શાળાની વાતો લખી રહ્યો છું તે કલ્પિત તો નથી? 

મિત્રો! તમારી જિજ્ઞાસાને સલામ. ચાલો, તમને તે જાણવામાં જરૂર રસ પડશે ..

જે વિસ્તારનું મેં વર્ણન કર્યું તે નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તાર. મારી બાળ-આંખો સમક્ષ, અમારા ઘરની પડોશમાં સ્ટેડિયમે આકાર લીધો. આ જ સ્ટેડિયમ પર દિલીપ સરદેસાઈ, વેંકટ, હનુમંત, અશોક માંકડથી લઈ હનીફ મહમદ પણ આવી ગયા.

મારા બાળપણમાં અમારી સોસાયટીમાં કેટલાક પ્રતિષ્ઠિત મહાનુભાવો રહી ગયા. ગુજરાત જ નહીં ભારતભરમાં આઈસક્રીમનું નામ ગુંજતું કરનાર કુટુંબ અહીં સમૃદ્ધિ પામ્યું. લેખક શ્રી પ્રબોધ ચોકસી, આકાશવાણી ક્ષેત્રે મોટા ગજાના અધિકારી શ્રી કમલેશ ઠાકર, આઈ.આઈ.એમ.ના પ્રો. ધીરુભાઈ દેસાઈ, ગુજરાત કોલેજના પ્રોફેસર ચારી (શ્રી માધવસિંહ સોલંકી કોલેજકાળમાં તેમના શિષ્ય હતા) અહીં રહ્યા. મને આછો આછો ખ્યાલ આવે છે કે શ્રી રઘુવીર ચૌધરી પણ અમારી સોસાયટીમાં થોડો સમય રહેલા.(તેમને રૂબરૂમાં પૂછવાનું રહી જાય છે. હવે પૂછી જ લઈશ)

અને મારી સ્કૂલનો પરિચય?

તે સ્વસ્તિક શિશુવિહાર હાઈસ્કૂલ. મૂળ સંચાલક શ્રી દિનેશ ઠાકોર. અમે તેમને દિનુભાઈના નામથી ઓળખતા. બીજા વિશ્વયુદ્ધના સમયે દિનુભાઈ બાલજગત  નામક રોચક બાળસામયિક ચલાવતા. મારી પાસે બાલજગતનો 1941નો એક યાદગાર અંક પણ સચવાયેલ છે. સ્વસ્તિક શિશુવિહાર બાળકેળવણીના પાયાના સિદ્ધાંતોને મૂર્તિમંત કરતી સ્કૂલ.

 સ્વસ્તિકના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગુજરાતી કવયિત્રી સુશ્રી સ્વરૂપ ધ્રુવ, આકાશવાણીના તુષાર શુકલ  અને મોરપિચ્છના અમારા દોસ્તો શ્યામલ-સૌમિલ. સ્વસ્તિકના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી નવરંગપુરાની જાણીતી હોટલના માલિક છે. મારાથી જૂનિયર તેવા બે વિદ્યાર્થી ભાઈઓનું કુટુંબ  અમદાવાદના જાણીતા વર્તમાનપત્રનું પ્રકાશન-સંચાલન કરે છે. બીજા મિત્રો પણ બહુવિધ ક્ષેત્રોમાં આગળ વધ્યા છે.

ચાલો, હવે તો ઓળખાણ ઓર પાક્કી, મિત્રો!

1 comment June 30, 2007

કુમળી વયે સાહિત્યનું રસપાન

.

મારા સૌથી મોટા બે ભાઈઓની વાત હું કરી રહ્યો છું.

બંને ભાઈઓ એચ. કે. માં ભણ્યા. સૌથી મોટા ભાઈની વાત આગળ કરી.

આજે તેમનાથી નાના(બીજા નંબરના) ભાઈની વાત કરું. કોલેજમાં ભાઈને કનૈયાલાલ મુનશીની ગુજરાતનો નાથ નવલકથા અભ્યાસક્રમના ભાગ રૂપે હતી.

હું ચોથા ધોરણમાં. વેકેશન પડ્યું અને ભાઈએ મારા હાથમાં ગુજરાતનો નાથ મૂકી.

પ્રથમ પ્રકરણમાંજ એવો રસ પડ્યો કે સાડાપાંચસો પાનાંની દળદાર ઐતિહાસિક નવલકથા સાત-આઠ દિવસમાં પૂરી કરી.

ગુજરાતી સાહિત્યનું આ મારું પ્રથમ રસપાન. સિદ્ધરાજ અને મુંજાલનાં પાત્રોએ મારા બાળ મનને આકર્ષી લીધું. કાક અને મંજરીનો પ્રેમ પણ સ્પર્શી ગયો …

પછી તો સાહિત્યનું ઘેલું લાગ્યું. ભાઈએ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર મૂકી. ખૂબ જ મઝાથી વાંચી. કાઠિયાવાડી પ્રયોગોના અર્થ ન સમજાય તે બાને પૂછતો જાઉં. બા પૂરો પ્રસંગ સમજાવી અર્થ સ્પષ્ટ કરે. લોકસાહિત્યનો રંગ લાગ્યો!

તે પછી ભાઈએ આપી પ્રેમચંદજીની ગોદાન. (ગુજરાતી અનુવાદ) પ્રેમચંદજીની ગોદાન એટલે હિન્દી ભાષાના સાહિત્યની શિરમોર નવલકથા. ગોદાનની કથાની કરુણતા હૃદયને ભીંજવી ગઈ.

નવેક વર્ષના કુમળા બાળમાનસને વિકસતાં વેંત જ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓનો પરિચય થાય, પછી વાત જ શું કરવી!

મારો સાહિત્યપ્રેમ જાગ્યો તે ભાઈને કારણે. આજે તે ભાઈ નથી.

સ્વર્ગવાસી ભાઈને પ્રેમપૂર્વક શ્રદ્ધાસુમન અર્પું છું. શત શત પ્રણામ!

1 comment May 31, 2007

ગુજરાતી સાહિત્યનો છંદ

.

મારાં પ્રાથમિક શાળાનાં અભ્યાસનાં એ વર્ષો.

મારા બે મોટા ભાઈઓ એચ. કે. આર્ટસ કોલેજમાં અભ્યાસ કરે.

એચ. કે. એટલે ભારે પ્રતિષ્ઠિત કોલેજ ગણાતી. ચીનુભાઈ નાયક સાહેબના નિષ્ઠાવાન પાયારુપ ઘડતર વિષે કહેવાનું રહે?

તે સમયે એચ. કે.માં પ્રિન્સિપાલ યશવંત શુકલ સાહેબ. શુકલસાહેબની વિદ્વતા, વ્યક્તિત્વ અને ધારદાર વાણી – ત્રણેય ગુણ તેમને આદર્શ પ્રિન્સિપાલ બનાવવા પૂરતા હતા.

અન્ય પ્રોફેસર્સ પણ એવા જ વિદ્વાન. વિદ્યાર્થીઓ સાથે પ્રોફેસર્સના આત્મીય સંબંધો. કોલેજની ભારે નામના.

મારા બંને ભાઈઓને શુકલસાહેબ સાથે વ્યક્તિગત પરિચય. કેટલાક પ્રોફેસર્સ સાથે તો અંગત સંબંધ. ઘરોબો પણ ખરો.

તે જમાનામાં સ્કુટરની સાહ્યબી કેટલા પ્રોફેસર પાસે? બસમાં અથવા સાયકલ પર ફરતા સાહેબો. વિના સંકોચે સાયકલ પર બેસીને ઘેર આવે! અમે નાના ભાઈઓ હોંશે હોંશે ગુરુ-શિષ્યની જ્ઞાનભરી વાતો સાંભળીએ.

બે મોટા ભાઈઓ પૈકી આજે સૌથી મોટા ભાઈની વાત કરું.

તેમના વર્ગ સહાધ્યાયીઓ પણ ચુનંદા. વર્ગમાં ચાર મિત્રોનું પ્રખ્યાત ગ્રુપ – ભાઈ અને ત્રણ મિત્રો.

ભાઈના ત્રણ ખાસ મિત્રો પ્રતિષ્ઠિત કુટુંબોમાંથી આવે. એક મિત્ર ગુજરાતી ભાષાના કાવ્યજગતના શિરોમણિ, ગણમાન્ય કવિ ઉમાશંકર જોષીના ભત્રીજા અને બીજા મિત્ર ગુજરાતી સાહિત્યજગતમાં આદરણીય “મહારાષ્ટ્રીયન-ગુજરાતી” સાક્ષર ગોપાળરાવ વિદ્વાંસના પુત્ર. ત્રીજા મિત્ર ગુજરાતના કલાક્ષેત્રના સુપ્રતિષ્ઠિત કલાકાર કનુ દેસાઈના કુટુંબના સભ્ય.

અઠવાડિયામાં એક કે બે વાર આ મિત્રો અમારે ત્યાં હોય જ. ચારે ય મિત્રો ભેગા થઈને હાસ્યની છોળો ઉડાડતા હોય. જાત જાતના વિષયો પર ચર્ચા થતી હોય. નવરચિત ગુજરાત રાજ્ય અને દેશ-દુનિયાની નવાજૂનીથી લઈને સાહિત્ય જગતની ચર્ચાઓ હોય.

મને તેમની સાહિત્ય વિષયક ચર્ચાઓમાં ભારે રસ પડતો. હું રસપૂર્વક તેમની વાતો સાંભળતો.

પહેલી વાર મહાકવિ કાલિદાસથી લઈને કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોષી અને વિ. સ. ખાંડેકર વિશે જાણ્યું.

કુમારસંભવમ, પાટણની પ્રભુતા અને યયાતિ જેવી કૃતિઓ વિષે જાણ્યું. હું સાહિત્ય પ્રત્યે આકર્ષિત થતો ગયો.

ગુજરાતી સાહિત્ય ઘણું મીઠું લાગવા લાગ્યું. ગુજરાતી સાહિત્ય એટલે જ જાણે જીવનરસ એમ લાગવા લાગ્યું.

બંને મોટા ભાઈઓનો ઋણી છું. ભાઈના મિત્રોનો ય આભારી છું. સૌને વંદન!

તેમના લીધે તો ગુજરાતી સાહિત્યનો છંદ લાગ્યો!

2 comments April 30, 2007

વિસર્જન અને સર્જન

.

આગળ વાત આવી ગઈ: ઘર નજીકના મેદાનની.

અમારા ઘરની પાછળના ભાગમાં દૂર સુધી એક વિશાળ મેદાન ફેલાયેલું હતું.

થોડાં ઝાડ-ઝાંખરાં; કેટલીક નાની ટેકરીઓ. અમારા અભ્યાસ-ખંડની બારીમાંથી તે દ્રશ્ય નિહાળવામાં ભારે ખુશી થતી.

એકાદ વર્ષ માંડ વીત્યું હશે અને એક દિવસ અમારી ખુશીનો ખજાનો લૂંટાવા લાગ્યો!

રાક્ષસી કદનાં બુલડોઝરો અમારી ખુશીને જમીનદોસ્ત કરવા લાગ્યાં.

એક પછી એક ટેકરીઓ ધૂળમાં મળવા લાગી.

ઝાડપાન - ભલે ને કાંટાળાં - અમારા દોસ્ત બની ગયાં હતાં.

મેદાનની દુનિયા અમારા બાળ-મનની સ્વપ્નસૃષ્ટિ હતી. બુલડોઝરોથી ઊડતી ધૂળમાં અમારા બાળપણની રંગીન દુનિયા ઝાંખી થતી ગઈ.

ભાતભાતનાં રંગો જેમાં ખોજ્યા, તે સ્વપ્નસૃષ્ટિ આમ ધૂળધાણી થઈ શકે છે તેવો પદાર્થપાઠ કંઈક કંઈક સમજાયો.

જે સર્જાયું તે આમ જ વિસર્જિત થવાનું? સમજાઈ ગયું: જેનું સર્જન તેનું વિસર્જન.

તે થોડા દિવસો અમારી મસ્ત જિંદગીમાં ગમગીની ઘોળી ગયા.

ટૂંક સમયમાં વેરાન મેદાન પર પુન: પ્રવૃત્તિઓ વધવા લાગી.

વિસર્જનમાંથી ફરી સર્જન?

વખત વીતતો ગયો અને મેદાનનું નવું રૂપ પ્રગટતું ગયું.

જોતજોતામાં અમારી આંખો સમક્ષ એક વિખ્યાત ક્રિકેટ મેદાન અસ્તિત્વમાં આવ્યું. આ જ મેદાન પર અમે ભારતના જ નહીં, વિશ્વના ખ્યાતનામ ક્રિકેટરોને રમતા જોયા!

* * * * * * * * * * * *

(બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ 31/10/2006)

આજની પોસ્ટ ફેરફારો સાથે.

Add comment March 31, 2007

વાત્સલ્યમૂર્તિ બાપુજી

.

મમતા પિતૃત્વનો પણ પર્યાય હોઈ શકે તે દર્શાવવા જ ભગવાને અમારા પિતાશ્રીને ઘડ્યા હશે!

પિતાશ્રીને અમે “બાપુજી” કહેતા. બાપુજીએ અમને ખૂબ પ્રેમથી ઉછેર્યાં.

સૌષ્ઠવસભર તામ્ર-ગૌર દેહ, ભરાવદાર લાંબા હાથ, પ્રભાવિત કરતો ચમકદાર ચહેરો અને ખાનદાની નમણું નાક.

તેમનો પહેરવેશ પણ ચીવટભર્યો. દૂધ જેવાં સફેદ ધોતિયું અને ઝભ્ભો. સફેદાઈ માટે પોતાનાં કપડાં જાતે જ ધોવાનો આગ્રહ.

ગઈ સદીના આરંભમાં સૌરાષ્ટ્રમાં બાપુજીનો જન્મ. નાની ઉંમરે આત્મવિશ્વાસ અને કર્મશીલતાની મૂડી લઈને શહેરમાં આવ્યા. ખંત અને નિષ્ઠાથી પ્રતિષ્ઠિત કુટુંબોનો વિશ્વાસ જીત્યો; ઘરોબો કેળવ્યો; રોજીરોટીની સ્વમાનભેર વ્યવસ્થા કરી અને ગૃહસ્થજીવન સંભાળ્યું.

બાપુજીનો પરિવાર-પ્રેમ બેનમૂન. કુટુંબના વિકાસમાં બાપુજીનું યોગદાન અનોખું. તે જમાનાની ટૂંકા પગારની નોકરી; ટ્યૂશન કરી અધિક આવક ઊભી કરી; ભારે પરિશ્રમ વેઠીને અમારા બાનું “ઘરનું ઘર” વસાવવાનું સ્વપ્ન સાકાર કર્યું. અમને ભણાવી-ગણાવી પ્રેમથી ઉછેર્યાં.

બાપુજી વ્યવહાર કુશળ હતા. તેમણે જ્ઞાતિ-સમાજમાં મીઠાશભર્યા સંબંધો નિભાવ્યા. સોસાયટીની સ્થાપનાથી આજીવન મેનેજીંગ કમિટીના સભ્ય રહ્યા. જીવનના પાછલા વર્ષોમાં, નાદુરસ્તીના એક સમયગાળામાં, સમાજ અને સંબંધોના મૂલ્ય પરત્વે તેમને આશંકા થઈ હતી, પરંતુ જેઓએ નિ:સ્વાર્થભાવે સાથ નિભાવ્યો તે પરિચિતો-સંબંધીઓ પર તેમની શ્રદ્ધા ક્યારેય ન ડગી.

બાપુજીએ અમને પ્રેમમય કુટુંબની સુરક્ષા અને હૂંફ આપ્યાં. બા-બાપુજીના પ્રસન્નદાંપત્યની છાયામાં અમારા બાળપણની કૂંપળોનું સ્નેહ-સિંચન થયું. અમારી સાથે કૂણો માખણ જેવો, હેતે નીતરતો વ્યવહાર. ગુસ્સે તો ભાગ્યે જ, ભાગ્યે જ થાય. બહાર ગયા હોઈએ ત્યારે પણ અન્ય આગળ અમારું માન જાળવે, સાથે રાખે, પ્રેમથી સાચવે. ખરેખર સ્નેહમૂર્તિ!

બાપુજીએ અમારી સમક્ષ પરિવાર-પ્રેમનો આદર્શ રાખ્યો. ગૃહસ્થ જીવનનો આદર્શ રાખ્યો. બાળ-ઉછેરનાં ઉત્તમ તત્ત્વો અમને શીખવ્યાં. આ આદર્શો, આ તત્ત્વો અમારા માટે સદાયે પ્રેરક બની રહ્યાં.

મારી કોલેજ કારકિર્દી હજી પાંગરતી હતી અને અમારા પર વજ્રાઘાત થયો. એક ટૂંકી માંદગીમાં બાપુજીએ જીવનલીલા સંકેલી લીધી. ધૂપસળીની માફક જીવન જીવી બાપુજી સ્વર્ગે સિધાવ્યા, પરંતુ તેમણે પ્રસરાવેલી સુગંધ આજેય અમારા જીવનને સુરભિત કરે છે. તેમના આશીર્વાદ અમને વિપદામાં પણ હૂંફ આપે છે.

બાપુજી! નત મસ્તકે આપને ભીની ભીની શ્રદ્ધાંજલિ! ૐ!

..
(બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ 20/08/2006) આ પોસ્ટ સુધારા સાથે.
.

2 comments March 27, 2007

ભાર વિનાનું ભણતર!

..

ભાર વિનાનું ભણતર!

પાંચ દાયકા પહેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની સંપત્તિ : એક થેલી કે દફતર; તેમાં દેશી હિસાબ, બે-એક પુસ્તકો, સ્લેટ અને પેન. હા, સાથે એક નાનકડી ડબ્બી, તેમાં ભીના કપડાનો એક કકડો.

પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.

મારા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કરે છે: “સર, સ્લેટ એટલે શું?”

સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.

સ્કૂલે જતાં પહેલાં ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડીએ. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસીએ. “અણીદાર” બનાવીએ. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને “પાક્કી” કરીએ. બસ, “મોતીના દાણા” જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર.

સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોય, ગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ …. બધું કામ સ્લેટ પર કરો. કામ કરો, શીખી લો; ડબ્બી ખોલો, ભીનાં કપડાંથી સ્લેટમાં લખેલું ભૂસી નાખો.

ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો …. ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ:

”ચકી ચકી પાણી પી …. બે પૈસાનો બરફ લાવ …”

ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર!

આજે નાનકડાં ભૂલકાંઓને “ઈન્ફર્મેશન એજ”માં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના પામું છું. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો; દરેક વિષયના એક-બે પુસ્તકો, દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ …

આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું જ! બાળકને આપણે શું આપીએ છીએ?

અમે ભાર વગરનું ભણતર ભણ્યા, જીવનને સમજવાનું જ્ઞાન પણ રળ્યા!!
.

Add comment March 27, 2007

બાનાં હાલરડાં અને સંગીતરસ

બાનાં હાલરડાં અમારા માટે ચિરકાલીન સંભારણારૂપ ખજાનો બની ગયાં છે.

બાનાં હાલરડાંની હલકે અમે ભાઈઓ નિદ્રાધીન થતા. વર્ષો પછી તે જ હાલરડાંઓથી અમે મોટાભાઈઓનાં સંતાનોને અમારા ખોળામાં પ્રેમથી પોઢાડતાં!

મારા દીકરાને નાનપણમાં એ જ હાલરડાંના સૂરે મેં પારણે ઝુલાવ્યો!

મારા મિત્રો તથા તેમના સંતાનોએ તે સૂરોનો આનંદ લૂંટ્યો છે. અરે! ક્યારેક શાળાઓની મુલાકાતમાં, ક્યારેક ભૂલકાંઓના માતાપિતા સાથે ગોષ્ઠિમાં મેં હાલરડાં ગાઈ સૌને ભાવતરબોળ કરી દીધાં છે.

ઘોડિયે સૂતેલ બાળને ઝૂલવવા બા શરૂ કરે:

”હાલા ..આ …. હાલા ….. આ .. હાલા …આ …આ …….” એ લહેકામાં અજબનું ખેંચાણ!

પછી હોય કાનુડાની ફરિયાદ. :

“માડી હું તો કાંઈ ન જાણું …
વનરાવનમાં ગાવડી ચારું રે…

માડી મને એકલો જાણી …
માડી મને ટાપલી મારી રે …”

એ મસ્તીમાં ડૂબવાની શી મઝા! કાનુડાની વાત કયા બાળકને ન ગમે?

“એક સમયે હરિ ગોકુળિયામાં
રમતાં જાદવ રાય જો!

બળભદ્રજી કહે સુણો માતાજી,
માવો માટી ખાય છે!”

અને સૂરની સરવાણી આમ વણથંભી વહેતી રહે.

અમારી ઉંમર વધતી જાય; બાનાં હાલરડાં બદલાતાં જાય. ગીતો બદલાય; ગીતોના ભાવ બદલાય; ગીતોના સૂર બદલાય! સાથે અમારી સંગીત સૂઝ સમૃદ્ધ થતી જાય!

સહેજ મોટા થતાં અન્ય ગીતો ઉમેરાય:

”દરિયો ડોલે રે માઝમ રાતનો … “

તથા

“દરિયાનાં તીર રળિયામણાં રે

કાંઠે રમે નાનાં બાળ …. (2),

ન્હાતાં ગાતાં ને કાંઈ નાચતાં..

હાંરે રૂડાં તરાવે છે વહાણ …. કાંઠે રમે નાનાં બાળુડાં …”

શિવાજીના હાલરડાથી શરૂ કરી રામ-કૃષ્ણ ભક્તિનાં ભજન પણ હોય!

સઘળા કવનમાં આરોહ-અવરોહ તો મંત્રમુગ્ધ કરે જ, સાથે તેમાંથી ભાવ એવો મીઠો પ્રગટે કે બાળમનનો ઝંઝ નીંદરડીની ગોદમાં શમવા લાગે!

બાનાં મધુર હાલરડાંઓએ અમારા બાળપણને સંગીતની ગળથૂથી પાઈ.

મઝાની વાત એ થઈ કે પછી તો, બા પૂજા કરતા હોય ત્યારે ઘંટડીના અવાજમાંથી નિષ્પન્ન અવાજ તો ગમે જ, પરંતુ બા રસોડામાં હાથથી રોટલા ઘડતા હોય ને તેના ટપ .. ટપ … અવાજમાંથી યે તાલ સંભળાય. અરે! બા કપડાં ધોતા હોય ત્યારે ધોકાના ધબ …. ધબ .. અવાજમાથી પણ સંગીત જાગતું લાગે! અમને જીવનક્રમની એક એક ઘટનામાંથી સંગીત માણતાં આવડ્યું!

સંગીત કાનથી ભલે સાંભળો, ભાઈ! પણ જ્યારે હૃદયથી સાંભળશો, ત્યારે જીવન સ્વયં સંગીત બની જશે!

જીવનની પાંચ દાયકાઓની મારી યાત્રામાં બાએ પાયેલો સંગીતરસ હૃદયની એક એક ધડકનને પોષતો રહ્યો છે.

બિથોવન-મોઝાર્ટથી માંડી યાન્ની સુધીનું સંગીત શોખથી આત્મસાત કર્યું છે. એલ્વિસ પ્રિસ્લી અને આબાથી લઈ સેલિન ડાયોનના કંઠને જાણ્યો છે. રવીન્દ્રસંગીત, જુથિકા રે, ઓમકારનાથ ને સુબ્બાલક્ષ્મી – તલ્લીન થઈ આરાધ્યાં છે. રવિશંકર, યેહુદી મેન્યુહીન, વાન શિપ્લે, અમઝદઅલી ખાન, ઝાકીરહુસેન, શિવકુમાર, હરિપ્રસાદ, વિશ્વમોહન ભટ્ટ ….   સંગીતનું રસપાન પ્રેમથી કર્યું છે.

જો બાનાં હાલરડાં ન હોત તો કદાચ અમે સંગીતની દિવ્યતાને આજે ઉચ્ચ સ્તરે માણી શકતા ન હોત!

તો…. જીવનસંગીતની સાધના કદાચ અધૂરી રહી હોત!

* * * * * * * * * * * * * * * * * * * *
(બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ : જુલાઈ 9, 2006)

1 comment March 4, 2007

હાલરડું: સંગીતનો પહેલો પાઠ

બાનાં હાલરડાં આજે પણ કાનમાં ગુંજે છે!

મીઠાં મધ જેવાં બાનાં હાલરડાં! શી મધુરપ!

મારાથી નાના બે ભાઈઓ. તેમના બાળપણનો ચિતાર મારી આંખોમાં છે. બા કેવા પ્રેમથી તેમને સાચવતાં!

નાનપણમાં અમે બા પાસે સૂતા. અમારી આંખો ભારે બને તે બાથી છૂપું ન રહે; બા કહે: જો! રાતની મા આવી!

અમે પથારીમાં પડીએ અને બા હાલરડાં ગાય.

બાનો પ્રેમાળ સ્પર્શ! કંઠે નીતરતી મીઠાશ!

એક એક સૂર પર પોપચાં ઢળવાં લાગે. જાદૂ છવાતો જાય અને રાતની મા ક્યારે આવી જાય તેની ખબરે ય ન પડે!

બા કાનુડાનાં મઝાનાં હાલરડાં ગાતાં. અન્ય કેટલાક પ્રચલિત હાલરડાં ગાતાં. ક્યારેક રામકથા પણ ગાતાં. અમે શાંતિથી સાંભળતા.

આ અમારા સંગીતના પહેલા પાઠ!

ઘણાં હાલરડાં આજે અડધાં પડધાં યાદ રહ્યાં છે. જેમ કે:

 સૂઈ જાઓ તમે કાન …..  હાલરડું હુલરાવે જશોદાજી માવડી …

હવે તમે નંદજી ગોકુળ સંચરો રે ….જશોદાજી જોતાં હશે વાટ જો ….

માડી હું તો કાંઈ ન જાણું … વનરાવનમાં ગાવડી ચારું રે …

તમે મારા દેવના દીધેલ છો …

રૂડી રામકથા … શુકદેવજી કહે છે રે .. પરીક્ષિત રાયને ….

 આજે પ્રૌઢાવસ્થામાં તે હાલરડાં યાદ આવે છે.

અડધી સદી ઉપરની જીવનયાત્રામાં હજારો ગીતો સાંભળ્યાં છે; હજારો મુઝિકલ ટ્યૂન્સ સાંભળી છે.

જરા પણ અતિશયોક્તિ વગર કહું: બાનાં હાલરડાંની તોલે કાંઈ ન આવે!

એ ઢાળ, એ આરોહ-અવરોહ, એ સ્વર બાંધણી; તેમાંથી નિષ્પન્ન થતા ભાવવાહી સૂર ….

બધું જ નિરાળું, ભાઈ! બાના હાલરડાંની તોલે સાચે સાચ કાંઈ ન આવે!

વર્ષો પહેલાં રથયાત્રાના દિવસે બાએ નશ્વર દુનિયા છોડી મહાપ્રયાણ કર્યું.

આજે રથયાત્રાનો પવિત્ર દિન. આજે બાની પુણ્યતિથિ.

છલકતી આંખે બાને શ્રદ્ધાંજલિ! શત શત પ્રણામ!

*  *  *  *  *  *  *  *  *  *

બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ : રથયાત્રા, 27/06/2006

Add comment February 15, 2007

ફાંકો ઉતારી દીધો!

.

બંદા ચોથા ધોરણમાં બુદ્ધિપ્રતિભામાં ઝળક્યા અને દયાશંકર દાદાજીએ “મોનિટર”ની રૂઆબદાર પદવી આપીદીધી!

પછી તો રાજ્જા, કાંઈ બાકી રહે? બંદા એક વેંત ઉપર થઈ ગયા!

બે પિરિયડ વચ્ચે ક્લાસ ‘કંટ્રોલ’ કરવો; શિસ્ત જાળવવી; સહાધ્યાયીઓને ચુપચાપ બેસાડી રાખવા; વાતો કરે તેને ક્લાસ-બહાર ઊભા કરવાની શિક્ષા કરવી …. ભારે સત્તા મળી ગઈ!

બીજા જ અઠવાડિયાની વાત. બેલ વાગ્યો. દાદાજી હજી આવ્યા ન હતા.

સવારની વર્ગ-પ્રાર્થનાનો બેલ વાગ્યો ને આપણા ક્લાસમાં પ્રાર્થના શરૂ. મોનિટર સાહેબ’નું સુપરવિઝન શરૂ ! ક્લાસમાં આંટા મારતા મારતા બધા પર નજર રાખવાની ને જેની આંખો ખુલ્લી હોય તેની આંખો બંધ કરાવવાની. ન સાંભળે તો ઘાંટો પાડીને પણ!

અરે ભાઈ, આ તો સત્તાનો નશો ! અંધ કરી દે! દિલ્હી હોય કે ગાંધીનગર કે ચોથું ધોરણ …. એ નશો બધે સરખો!!!

અચાનક કોઈએ હાથ ઝાલી ક્લાસ બહાર ખેંચ્યો! કોની હિંમત થઈ મોનિટરનો હાથ ખેંચવાની? નજર ઊંચી કરી તો દયાશંકર દાદાજી! ભવાં ખેંચાઈ ગયેલાં.

“કાં આંટા મારે છે?”

મને લાગ્યું કે દાદાજીને ગેરસમજૂતિ થઈ લાગે છે …. ભૂલી ગયા લાગે છે …

“સાહેબ મોનિટર છું …. આપે જ બનાવ્યો … ગયા અઠવાડિયે …”

“પ્રાર્થના ચાલે છે .. નથી ખબર?”

“સાહેબ, એટલે જ તો …. હું મોનિટર …..”

દાદાજીની આંખોમાં રોષ પ્રગટવા લાગ્યો :

“મોનિટર છું તો શું થઈ ગયું? ભગવાનથી મોટો તો નથી થઈ ‘ગ્યો?”

અને ગુસ્સાભર્યા દાદાજીના એ શબ્દોએ મોનિટરપણાનો, સત્તાનો, સફળતાનો ફાંકો ઉતારી દીધો … જીવનભર માટે!

પછી તો અભ્યાસપ્રવૃત્તિમાં, અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં, જોબમાં … જીવનમાં માન સન્માન મળતાં રહ્યાં, પણ મજાલ છે કે નશો ચઢે!!

જરાક ડગાય કે દાદાજીના રોષભર્યા શબ્દો યાદ આવે!

“ભગવાનથી તો મોટો નથી થઈ ‘ગ્યો?”

* * * * * * * * * * * * *
(બ્લોગપોસ્ટ પર આ પોસ્ટ પબ્લિશ થઈ: 22/06/2006)

3 comments January 19, 2007

Next Posts Previous Posts


નમસ્કાર

“અનુભવિકા”: અતીતના સ્મરણોની યાત્રા.... ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ .... .... .... .... ... ... .. .. .. .. .. .. .. હરીશ દવે ... અમદાવાદ

Categories

Recent Posts

Archives

Recent Comments

હરીશ દવ… on અમદાવાદનું…
Harsukh Thanki on અમદાવાદનું…
Harsukh Thanki on અમદાવાદના …
himalek32 on અમદાવાદના …
વિશ્વદ… on અમદાવાદનું…

Blog Stats