આસમાનની પેલે પાર

.

સ્મૃતિપટલ પર કોતરાયેલી કેટલીયે કથાઓ ફરી વાંચી શકાતી નથી.

જો વાંચી શકાય તો આલેખી શકાતી નથી.

પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે કે કે કોઈ ને કોઈ સ્વરૂપે તમારી આસપાસ ચકરાયા જ કરતી હોય છે.

બાળપણનું એક ખૂબ મઝાનું સ્મરણ છે આકાશ સાથેની રોમાંચક દોસ્તી.

બાળક માટે આકાશ ભારે કૂતુહલનો વિષય બને છે; સાથે જ પ્રેમનો પણ. બારીમાંથી દેખાતો આકાશનો ટુકડો બાળક માટે અણમોલ ખજાનો બની શકે છે. જે બાળક પાસે આકાશનો એક ટુકડો નથી, તે બાળક બાળપણના એક મહામૂલા રોમાંચથી વંચિત રહી જાય છે. રીસાઈ ગયેલા બાળક માટે આકાશ અજીબ સહારો બની જાય છે.

મને સ્પષ્ટ યાદ છે. ઘરની બારીમાંથી બહાર નજર કરો અને આકાશ જ આકાશ દેખાય. ધાબા પર જાઓ, તો તો નિ:સીમ નીલ રંગમાં ખોવાઈ જાઓ! સવારે ઊગતા સૂરજ દાદા, સાંજે રતાશ પડતા પીળા કે સ્વર્ણિમ આકાશમાં આથમતા સૂરજ દાદા.

દિવસ દરમ્યાન જાતજાતના આકારોમાં દોડાદોડી કરતાં રૂના પૂંજ સમાં વાદળો. (અને તે આકારોને કાંઈક કાંઈક નામ આપવાની કેવી મઝા આવે! જોતજોતામાં તે આકાર બદલાઈ જાય! દરેક આકારને નામ છે તથા જેને આકાર છે, નામ છે, તે પરિવર્તનશીલ છે, નાશવંત છે તેવું વેદાંતજ્ઞાન તો મોટી ઉંમરે મળ્યું! )

રાત્રે ચમકતા તારલાઓની વચ્ચે પ્રેમથી મલકતા ચાંદામામા. પૂનમની રાતે મન મોહી લેતા થાળી જેવા ચાંદામામા. તેમાં ડોશી અને સસલું અને ન જાણે શું શું શોધવાની મઝા! તે વાતો વર્ષો સુધી પહેલી બની રહી!

સાંજે સ્કૂલેથી ઘેર આવી બહાર કંપાઉંડમાં આવીએ … સૂરજદાદા ઢળતા હોય અને આકાશ અગણિત પક્ષીઓથી ભરાઈ જતું હોય … પંદરેક મિનિટ સુધી પક્ષીઓનાં ઝૂંડનાં ઝૂંડ પૂર્વ દિશામાં ઊડતાં નિહાળવાની એટલી તો મઝા આવે! બા કહેતાં કે દિવસે ચણ ચણીને પક્ષીઓ સાંજે પોતાને ઘેર – માળા ભણી – જતાં હોય. કેટલાક તો વ્યવસ્થિત હારમાં શિસ્તબદ્ધ રીતે ઊડતાં જતાં હોય! આગળપાછળ થાય પણ બીજાને ખલેલ પાડ્યા વગર.. અમે જોયા જ કરીએ! બસ, જોયા જ કરીએ!

પંખીને કેવી મઝા! ગૃહકાર્ય – હોમવર્ક- નહીં કરવાનું!! જ્યાં ઈચ્છા થાય, વિના રોકટોક પહોંચી જવાનું!! રૂ જેવા પોચા પોચા વાદળોની ભાઈબંધી કરવાની! તેમની સાથે વાતો કરવાની! વળી ઊંચે, ખૂબ ઊંચે ઊડવાનું.

આકાશમાં કોણ કોણ રહેતું હશે! બા કહેતાં- ભગવાન રહે છે! અને દાદાજી-દાદીમા પણ .. જેને ભગવાન બોલાવી લે, તે બધાં આકાશમાં રહે!!!

પક્ષીએ તો આકાશની યે પાર ઊડવાનું!!

આકાશની પછી શું હશે? આસમાનની પેલે પાર કેમ જવાતું હશે?

બાળમનમાં ઊઠેલા આ પ્રશ્નોમાં આજે પણ ઉલઝી જવાની એવી મઝા આવે છે – જીવનના પાંચ દાયકા પાર કર્યા પછી પણ !!!

*  *  *

Advertisements

2 thoughts on “આસમાનની પેલે પાર

  1. આ અનુભવીકા સૌ વયસ્કોની હશેને ?!

    આકાશનાં હળવાંફુલ વાદળાં જે ઝડપે શીર્ણ-વીશીર્ણ થઈ જાય છે તે જ ઝડપે આ બધાં સ્મરણો પણ કાળની ગર્તામાં ક્યાંય વીલીન થઈ જાય છે !

    આ અનુભવોને તમે આપેલી વાચા કીમતી છે. એને વધુને વધુ પ્રગટાવતા રહો એવી આશા કે ઉઘરાણી કર્યા વીના રહી શકતો નથી.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s