.
*
મામાનું ઘર કેટલે? પ્રશ્નનો જવાબ અમારા માટે તદ્દન સરળ હતો.
મારા મામાનું ઘર અમારા સ્ટેડિયમ એરિયામાં, માંડ દસેક મિનિટના રસ્તે.
મામાને ઘરથી ત્રણેક કિમી છેટું ગુજરાત યુનિવર્સિટી ટાવર દેખાતું. ત્યારે ફ્લેટસના જંગલો હજી નહોતાં ને!
મોસાળમાં સંયુક્ત કુટુંબ હતું. નાનીજીની છત્રછાયામાં મોટા મામા અને નાના મામા બેઉનાં કુટુંબો દાયકાઓ સુધી સાથે રહ્યાં.
અમારા નાનાજી ગાંધીજી અને સરદાર પટેલના નિષ્ઠાવાન સાથી-કાર્યકર-સેવક. પણ કુટુંબ માટે ક્યારેય તે સંબંધોનો લાભ ન લીધો. જેવા સિદ્ધાંતવાદી નાનાજી, તેવા જ બંને મામા. જીવનભર ખાદીનો ઝભ્ભો-ધોતિયા-ગાંધી ટોપી અપનાવ્યાં; છતાં ગાંધી-સરદારનાં નામ ન તો વટાવ્યાં, ન અભડાવ્યાં.
બંને મામા – બે ભાઈઓ જાણે રામ-લક્ષ્મણની જોડી! જ્ઞાતિ માટે, સમાજ માટે પ્રેરણારૂપ કુટુંબ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ.
બંને મામા મિષ્ટભાષી, મિતભાષી. શબ્દે અને વ્યવહારે સૌજન્ય નીતરે!
બંને મામાનો પ્રેમ અમને ભીંજવી દે.
નાના મામા તોફાન-મસ્તી કરાવે; સાયકલ પર ઠેઠ થલતેજ ટેકરે શાંતિનાથ મહાદેવ ‘પિકનિક’ પર લઈ જાય; ક્યારેક ઇન્કમટેક્સ- વિદ્યાપીઠ સામે નદીએ ન્હાવા લઈ જાય! અમારાં બાળહૈયે તો હરખ ન માય!
મોટા મામા પાસે હંમેશા બૌદ્ધિક ઘડતર, સંસ્કાર અને જીવનમૂલ્યોની વાતો હોય. મોટા મામા જાણીતી કોલેજમાં હેડ ક્લાર્ક. સાંજે સાત-આઠ વાગ્યે ઘેર આવે. સાયકલ પરની થેલીમાંથી રસભર્યાં, જ્ઞાનવર્ધક મેગેઝિન્સ નીકળે.
‘મુંબઈ સમાચાર’, ‘જન્મભૂમિ’. ‘ફ્રી પ્રેસ જર્નલ’ પણ ક્યારેક હોય. અમે ખુશ થઈ જઈએ. પ્રસંગોપાત મામા ફ્રી પ્રેસ જર્નલનાં હેડિંગ્ઝ વંચાવે, સમજાવે, ચર્ચા કરે.
મોટા મામાએ અમને ‘કુમાર’નો રંગ લગાડ્યો; ‘અખંડ આનંદ’, ‘નવનીત’ અને ‘સમર્પણ’નો છંદ લગાડ્યો; ‘ધર્મયુગ’ અને ‘ઇલસ્ટ્રેટેડ વિક્લી’ની દોસ્તી કરાવી! અમે કાળજીપૂર્વક વાંચીએ અને સંભાળપૂર્વક સામયિકો મામાની થેલીમાં ગોઠવી દઈએ.
સામયિકો બીજે દિવસે સવારે કોલેજમાં સલામત પહોંચી ગયા હોય, પણ તેમાંનું જ્ઞાન-અમૃત અમારી પ્રતિભાને તેજોમય કરી ગયું હોય!
મામા અમારી શૈક્ષણિક કારકિર્દીમાં પણ ઊંડો રસ લે. આગળ ધપવા પ્રેરણા આપે.
નાના મામા બે એક વર્ષ અગાઉ અમને છોડી ગયા.
થોડા દિવસ પહેલાં મોટા મામા પણ સ્વર્ગે સિધાવ્યા.
જેમની શીળી છાયામાં ઊછર્યા તે વડીલો એક પછી એક જીવન પટેથી વિદાય લઈ રહ્યા છે. સૌને શત શત પ્રણામ!
સમયના વહેવા સાથે જીવન સમૃદ્ધ બને છે કે રાંક બને છે તે ક્યાં સમજી શકાય છે?
* * * * * * *