.
બાળપણના એ દિવસો.
અમદાવાદમાં અમારો સ્ટેડિયમ એરિયા નવોસવો વિકાસ પંથે હતો.
તાજો બનેલો સ્ટેડિયમ રોડ.
ડામર રસ્તાની બે તરફના રોપાઓ વૃક્ષ-અવતાર ધારણ કરી રહ્યા હતા.
મ્યુનિસિપાલિટી સંચાલિત એ એમ ટી એસની લાલ બસ અમારી સોસાયટી પાસે સ્ટેડિયમ રોડ પર દોડતી થઈ હતી. સરદાર પટેલ કોલોનીથી લાલ દરવાજાનો ‘14 બી’ નંબરનો એ નવો રૂટ.
‘લેલેન્ડ’ કંપનીની લાલ બસ ભારે મગરૂરીથી રસ્તા પર દોડતી. અમને બાળકોને બસ અને તેનો ડ્રાઇવર કાંઇક પ્રભાવિત કરી જતાં.
તે દિવસોમાં રસ્તા પરનાં ઝાડવાંઓને પાણી પાવા બળદગાડું આવતું. બળદગાડામાં મોટું પીપ (લાકડાનું ? હા, કદાચ લાકડાનું જ .. બરાબર યાદ નથી! ) રહેતું. ગાડાવાળો એક પછી એક ઝાડ પાસે થોભી પાણી ઠાલવતો.
ક્યારેક એવું થતું કે એક જ સમયે રસ્તા પર લાલ બસ પણ હોય; બળદ ગાડું પણ હોય.
અમે જોઈ રહેતાં
ઘડી ભરમાં બસ તો અદ્રશ્ય થઈ જતી; ગાડું પોતાની ધીમી ચાલે આગળ ધપતું.
અમારું બાળમન વિચારમાં ડૂબી જતું.
નવી અને જૂની ટેકનોલોજી વચ્ચેની સ્પર્ધાની અમને પહેલી આછી પાતળી સમજ ત્યારે મળી.
નવા-જૂનાનો સંઘર્ષ જોતાં જોતાં જીવનની અડધી સદી ક્યારની યે પાર થઈ ગઈ છે.
જ્યારે નવા-જૂનાને કોઇ પ્રણાલીમાં એક રાગે તાલમાં જોઇએ ત્યારે એક રસ્તા પર ચાલતાં લાલ બસ અને બળદ ગાડાની યાદ આવે છે.
.