.
સ્મૃતિપટ પર કેવાં કેવાં દ્રશ્યો ઊભરતાં રહે છે! એક મઝાનું સ્મરણ છે મોટ્ટણબત્તી કાકાનું.
શુક્રવારે સવારે દસ – સાડાદસનો સમય હોય ત્યારે સાદ સંભળાય:
”મોટ્ટણબત્તી .. ઇ … ઇ ……. પ્રાય…મસની ….ઇ…ઇ… પીન આવી …ઇ …
છે કાંસકા આ … આ… કાંસકી … ઇ … ઇ … ઇ ……….ઇ
ડામરની ગોળી… ઇ…. ઇ ….. કંકુની શીશી આવી.. ઇ…. ઇ…”
મોટ્ટણબત્તી કાકાની લારી દેખાય. મારવાડી કાકા. પાતળી પણ ખડતલ કાયા. સફેદ ઝભ્ભા જેવું પહેરણ, સફેદ ધોતિયું, કાળી ટોપી.
મોટ્ટણબત્તી કાકાની લારી એટલે હરતું ફરતું ‘બિગ બાઝાર’. ગૃહોપયોગી ચીજો, રસોડાની અનિવાર્ય વસ્તુઓ, સ્ત્રી વર્ગને ઉપયોગી ચીજો.
લારી હશે પાંચેક ફૂટ બાય સાડા ત્રણેક ફૂટની. લારીમાં ખીચોખીચ પણ આકર્ષક રીતે વસ્તુઓ ગોઠવી હોય. કિશોર બિયાણીને પણ ઇર્ષ્યા આવે તેવી સુઘડ ગોઠવણી. તમે માગો તે વસ્તુ દસ સેકંડમાં તમારા હાથમાં.
પ્લાસ્ટિકના કાંસકા, સ્ત્રીઓનાં બકલ, માથાની પીન, રીબન, અંબોડાની જાળી, સેફ્ટી પીન, કાળો દોરો, નાડી, ઇલાસ્ટીક નાડી, બંગડીઓ, કંકુની શીશી, નાનો અરીસો, નાની કાતર, પ્રાયમસનો કાકડો, પ્રાયમસની પીન, નાની મોટી સોય, સફેદ અને કાળા દોરાની રીલ, ડામરની ગોળી, રબર બેન્ડ…… વગેરે.
અમારાં જેવાં નાનાં બાળકો માટે લારીના એક ખૂણે એક ખોખામાં રબરની નાની દડીઓ અને પ્લાસ્ટિક – કચકડાનાં નાનાં સફેદ ‘પિંગ-પોંગ’ બોલ.
સ્ત્રી-બાળ વર્ગ વસ્તુ માગે, ભાવ જાણે, થોડી રકઝક કરે; મોટ્ટણબત્તી કાકા ઠંડકથી પણ મક્કમતાથી જવાબ આપતા જાય. ‘બારગેન’ કરવાનો ઝાઝો અવકાશ ન હતો, સિવાય કે તમારું બિલ ખૂબ મોટું બન્યું હોય,,, મોટું એટલે કેટલુ, તે કહું? પાંચેક રૂપિયા જેટલું!!!
મોટ્ટણબત્તી કાકા વર્ષો સુધી અમારી સોસાયટીમાં નિયમિત આવતા. કદાચ પંદર-વીસ વર્ષો સુધી કાકાએ શુક્રવારે સવારનો તેમનો સમય સાચવ્યો તેવું સ્પષ્ટ યાદ છે.
એક વસ્તુ અમારા સૌ માટે પઝલ બનીને રહી ગઈ તે “મોટ્ટણબત્તી”.
મોટ્ટણબત્તી શું હશે? ન તો ક્યારે અમને મોટ્ટણબત્તી શું તે સમજાયું, ન કાકાને તેનો અર્થ પૂછવાની અમને હિંમત થઈ.
આજેય મોટ્ટણબત્તી અમારા માટે વણ ઉકલ્યું ઉખાણું છે. આપ કોઈ પાસે જવાબ છે?
.