.
ગઈ સદીનો છઠ્ઠો દાયકો. હિંદુસ્તાનની આઝાદીને બારેક વર્ષ વીત્યાં હતાં.
ત્યારે બાપુજી હોંશભેર ઘરનો પ્રથમ રેડિયો ખરીદી લાવ્યા.
માંડ આઝાદ થયેલ હિંદુસ્તાનમાં ગૃહોપયોગી ઉપકરણો તો બનતાં નહીં. વિદેશી ઉત્પાદનો પર આધાર રાખવો પડતો. બાપુજીએ “બુશ – મેઈડ ઇન હોલેન્ડ” પસંદ કર્યો.
‘બુશ’ એક ઉત્તમ રેડિયો. આઠ બેન્ડ અને કદાચ છ વાલ્વનો રેડિયો. ત્યારે ટ્રાંઝિસ્ટર ન હતા; કાચના વાલ્વ હતા. ‘બુશ’ ખૂબ જ આકર્ષક રેડિયો. વિવિધ કંટ્રોલ માટે ચાર સુંદર ગોળાકાર નોબ. ઉપર ડાબા હાથે ખૂણામાં ટ્યુનિંગ દર્શાવતી ખૂબસૂરત લીલી “આઈ”. આઠ બેન્ડ માટે લાલ, લીલી, પીળી, વાદળી – સુંદર રંગીન રેખાઓ. દરેક બેન્ડ માટે ‘વિશાળ’ બેન્ડ-સ્પ્રેડ. ત્રીસેક સેન્ટીમીટર લંબાઈનું બેન્ડ-સ્પ્રેડ. આજના જમાનામાં મોટા ટુ-ઇન-વન પરનાં બેન્ડ-સ્પ્રેડ માંડ દસ સેમી જેટલાં હોય છે!!
એકાદ વર્ષ રેડિયો પર મોટાભાઈનું ‘એકહથ્થુ વર્ચસ્વ’ રહ્યું; અમે નાના ભાઈઓ હાથ પણ ન લગાવી શકતા. પછી તો અમે પણ રેડિયો સિલોન અને ઓલ ઇંડિયા રેડિયો સાંભળતા થયા. રેડિયો સિલોન સાથે સૌ પ્રથમ ગાઢી દોસ્તી થઈ.
રેડિયોનાં ઘણાં એનાઉન્સમેન્ટસ ભેળસેળ થઈ કાનમાં ગુંજે છે. કદાચ આવું કોઇક એનાઉન્સમેન્ટ હતું: “… યે રેડિયો સિલોનકા વિદેશ વિભાગ હૈ.” પાછળથી તે બદલાઈને ” ….. યે સિલોન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનકા વ્યાપાર વિભાગ હૈ” આમ કાંઇક હતું. રેડિયો સિલોન ત્યારે પચ્ચીસ મીટર, એકત્રીસ મીટર અને ઓગણપચાસ (કે એકતાલીસ?) મીટર પર બ્રોડકાસ્ટ થતું. હજી એનાઉંસરના શબ્દો યાદ આવે છે: “પચ્ચીસ મીટર બેન્ડ પર ગ્યારહ હજાર આઠસૌ, ઈકતીસ મીટર બેન્ડ પર નૌ હજાર સાતસૌ બીસ ઔર ઉનચાસ મીટર ……. યે સિલોન બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશનકા વ્યાપાર વિભાગ હૈ.”
ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસ પર સુંદર જૂનાં ફિલ્મી ગીતો આવતાં. થોડા વખત પછી રેડિયો પર નવા શબ્દો અમે સાંભળતા થયા: “ત્રણસો બાવન પૂર્ણાંક નવ દશાંશ મીટર એટલે કે આઠસો પચાસ કિલોસાયકલ્સ પ્રતિ સેકંડ પર આકાશવાણીનું આ અમદાવાદ-વડોદરા કેન્દ્ર છે.” પછી વિવિધભારતી કાનમાં ગુંજતું થયું.
તે જમાનામાં નાના-મોટા દરેક રેડિયો માટે સરકારી પોસ્ટ ઓફિસમાંથી લાયસન્સ લેવું પડતું. પ્રતિ વર્ષ પોસ્ટ ઓફિસમાં લાઇનમાં ઊભા રહી નિર્ધારિત ફી ભરી રેડિયો લાયસન્સ રીન્યુ પણ કરાવવું પડતું. બોલો! કેવી જફા!
જે રીતે આજે ટીવી માટે એન્ટિનાની જરૂરત, તે રીતે ત્યારે રેડિયોના સિગ્નલ પકડવા ખુલ્લી હવામાં ‘એરિયલ’ની જરૂરત. અમે પણ ઘરની બહાર ખુલ્લી લોબીમાં સિલીંગ પાસે જાળીવાળું ‘એરિયલ’ લગાડ્યું હતું.
રેડિયો એક જમાનામાં અજાયબીભર્યો ‘પ્રાઉડ પઝેશન’ ગણાતો. પાડોશી-મિત્રો-પરિચિતો રેડિયો સાંભળવા ખાસ બેસતાં અને ખુશ થતાં.
અમારી કિશોરાવસ્થામાં દુનિયાની ઝાંખી કરાવવામાં રેડિયોનો બહુમૂલ્ય ફાળો હતો. બીબીસી, વોઇસ ઓફ અમેરિકા, રેડિયો ઓસ્ટ્રેલિયા, રેડિયો મોસ્કો, વોઇસ ઓફ જર્મની, રેડિયો પીકિંગ (આજનું બીજિંગ) અને બીજાં અનેક જાણ્યાં-અજાણ્યાં સ્ટેશનો અમે પકડતાં રહ્યાં. ઘણાંની તો ભાષા જ ન સમજાય!
રેડિયોએ અમને જીવનના બહુવિધ પાસાંઓનો પરિચય કરાવ્યો. રેડિયો સિલોને સૂર – સ્વર – સરગમ – સંગીતની પિછાણ કરાવી. બીબીસી અને વોઇસ ઓફ અમેરિકાએ દુનિયાના ધબકાર સુણાવ્યા. રેડિયો અમને ઘરની બહાર વિશ્વફલક પર લઈ ગયો. ખરેખર, રેડિયોએ અમારા જીવન ઘડતરમાં મોટું યોગદાન આપ્યું.
વડોદરાની વાયડાપોળના નાકે દર બુધવારે મિત્રો સાથે ઉભા રહીને બીનાકા ગીતમાલા સાભળતા હતા. ત્યાર બાદ તમે જણાવ્યુ ઍમ અમારે ત્યા પણ તમારા જેવો જે ‘બુશ’ રેડીયો આવ્યો. ઍ દિવસો કેમ ભૂલાય? આજે ઍ વાત નૅ લગભગ પચાસ વર્ષ થવાના!
‘મેમરી લેન’ ઉપર પાછળ ફરીને ડોકીયુ કરવાનુ ખૂબ ગમે છે. ખાસ કરીને પરદેશમા રહીને વતનની યાદોને વાગોળવાનુ. લખતા રહો હરીશભાઈ…..
LikeLike
Really nice article, refreshing some memories of childhood when papa used to tell story of my grandfather when he bought radio first time, and at that time he was the first who purchased a radio in village ….
LikeLike
અમને યંગસ્ટર્સને જૂની દુનિયાનો આઇડિયા જ નથી. અંકલ! તમે અમને ડિફરંટ વર્લ્ડમાં લઈ જાવ છો તેમાં ખોવાય જવાય છે.
LikeLike
sorry નવું સરનામું છે http://www.radionamaa.blogspot.com
LikeLike
radionama રેડિયોનામા પર હજી એ જમાનાની યાદો અને આ જમાનાની વાતો ને અત્યંત રસપૂર્વક ચર્ચવામાં આવે છે. મને પણ પથારીમાં નાનકડું Transister સાથે લઈને સૂઈ જતો તે દિવસો યાદ આવ્યા!
LikeLike