આજે પણ ગુજરાતીમાં ક્યારેક હાથથી નોંધ કરતો હોઉં છું, ત્યારે મારા લેખનકાર્ય માટે મને સ્વયં મારા માટે માન થાય છે. પણ તરત તેનો શ્રેય શાળાના એ ઘડતરને આપું છું.
શાળાના એ દિવસો, એ શિક્ષકો યાદ આવે છે.
ત્રીજા-ચોથા ધોરણમાં ગુજરાતી ભાષાના તાસ (પિરિયડ) માં ક્યારેક અનુલેખન અને શ્રુતલેખન માટે સમય ફાળવાતો.
પાઠ્યપુસ્તકના કોઈક નાના ફકરાને ધ્યાનપૂર્વક, સુંદર અક્ષરે તમારી સ્લેટમાં લખવાનો- કૉપી કરવાનો. આ હતું અનુલેખન. ખૂબ મઝા આવે. તમારી ભાષા સુધરે; સાથે લેખન કળા ખીલે. શિક્ષક તેને તપાસી માર્ક્સ આપે કે ક્યારેક રિમાર્ક્સ પણ આપે.
શ્રુતલેખનમાં શિક્ષક ‘લિસનિંગ ટેસ્ટ’ સાથે જોડણીના જ્ઞાનની પરીક્ષા લેતા. એક પછી એક શબ્દો બોલાતા જાય અને તમારે તેને વિના ભૂલે સરસથી લખવાના. તેના પણ માર્ક્સ મળે. દસમાંથી દસ કે ક્યારેક પચ્ચીસમાંથી પચ્ચીસ માર્ક્સ એવો તો આનંદ અપાવતા!
અનુલેખન-શ્રુતલેખન તો કોણ જાણે ક્યારે ખોવાઈ ગયાં!
અરે! તે પછી અંગ્રેજી ઠાઠ સજી સ્કૂલોમાં આવેલ ‘ડિક્ટેશન’ પણ હવે ભુલાઈ ગયું છે!
ભાષાઓનાં સ્વરૂપ અને અર્થ બદલાઈ જશે તેવું લાગી રહ્યું છે. પરિવર્તન સ્વીકારવું રહ્યું!
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **