અમદાવાદનું “ફરતું સિનેમાગૃહ”

**

અમદાવાદના અમારા બાળપણનું એક ખોવાયેલું દ્રશ્ય લારીવાળા બાયોસ્કોપનું છે.

સાચું પૂછો તો, સિનેમાની મઝા માણ્યાનો આછો એહસાસ ત્યારે થતો જ્યારે લારીવાળા બાયોસ્કોપવાળા ફરતા સિનેમાગૃહમાં ફિલ્મ જોવા મળતી.

છએક મહિને એકાદ વખત સોસાયટી ગુંજી ઊઠતી- હસતા હુઆ નૂરાની ચહેરા… કાલી ઝુલ્ફેં રંગ સુનહરા …  ઘસાયેલા કર્કશ અવાજમાં રેકર્ડ પર ગીત સંભળાય કે સમજવાનું ફરતી લારીમાં બાયોસ્કોપ-સિનેમાગૃહ આવી પહોંચ્યું!

ધકેલીને લત્તે લત્તે ફેરવી શકાય તેવી ચાર પૈડાંની લારી.

તેના પર કુશળતાપૂર્વક ઊભું કરેલું સિનેમાઘર. તેની ટોચ પર ગ્રામોફોન.

સિનેમાઘર વળી કેવું? લારી પરનું મોટું બોક્સ.

બોક્સની બહાર અવાજ કરીને ફરતું પ્રોજેક્ટરનું ચકરડું. તેના પરથી સરકતી ફિલ્મની પટ્ટી.

બોક્સને ફરતે ઉપરના ભાગમાં રાજકપૂર, દેવ આનંદ, દિલીપકુમાર જેવા અભિનેતાઓના તથા નરગીસ, મધુબાલા, વહીદા રહેમાન આદિ અભિનેત્રીઓના ફોટાઓ. ફોટાઓની નીચેના ભાગમાં બોક્સ ફરતે બાયોસ્કોપ જેવી ઢાંકણાંવાળી નાનકડી ગોળ બારીઓ.

ઢાંકણું ખોલો તો એક બારી પર માંડ એક ડોકું સમાઈ શકે! અંદર નજર કરો એટલે પડદો દેખાય. તેના પર ફિલ્મ પડે. ફિલ્મ શું,  મારા ભાઈ!  કોઈ ડબ્બાની ફિલ્મની ઘસાઈ ગયેલી પટ્ટીના ટુકડાઓ!

બોક્સની ઉપર ગ્રામોફોનમાં 78 આરપીએમની આંકા ભૂંસાયેલી લોંગ પ્લે રેકર્ડમાંથી કર્કશ સૂર નીકળે મેરા દિલ યે પુકારે આ જા …..

બાળકો દોડે! બારી પર બે હાથ વચ્ચે એક એક ડોકું ફસાય!

ફિલ્મ શો ચાલુ થાય.

ઘડીભર તો સમજાય નહીં કે પ્રોજેક્ટરની ફરતી રીલનો ટક..ટક .. ટક..ટક અવાજ સાંભળવો કે કર્કશ રેકર્ડનું ગીત સાંભળવું.

સાથે પડદા પરનાં કાળાં-ધોળાં હાલતાં ચાલતાં હીરો-હીરોઈનોના ચહેરા ઓળખવાનો માસુમ પ્રયત્ન યે કરવો પડે! કહે છે ને કે જેવી ભક્તની શ્રદ્ધા, તેવું તેને ભગવાનનું રૂપ દેખાય! અમારે કાંઈક એવું થાતું. પડદાથી દૂરની બારીવાળાને જે ભારતભૂષણ દેખાય, તે જ હીરો નજીકની બારીવાળાને મોતીલાલ રૂપે દેખાય!!!

નાટક ખરું ત્યારે થાય જ્યારે એલપી રેકર્ડની ખાંચમાં પીન ભરાય … એક છોટી-સી ઝલક મેરે મિટને તલક .. ઓ ચાંદ … ઓ ચાંદ મેરે દિખલા જા … ચાંદ મેરે દિખલા જા …. ચાંદ મેરે દિખલા જા …. ચાંદ મેરે દિખલા જા … ચાંદ મેરે દિખલા જા … …

બસ, આવું થતું રહે ત્યાં સટા..ક અવાજ  થાય ને પડદા પર ઠુમકતી નિરૂપા રોય ગાયબ! ડોકું ફેરવો ત્યારે સમજાય કે ફિલ્મની પટ્ટી તૂટી ગઈ! હાય! દિલકા ખિલૌના હાયે તૂટ ગયા!!!

બે આનામાં ઊભા ઊભા માણેલું એ મનોરંજન આજે મેગા સિટીના મલ્ટીપ્લેક્સની પુશ-બેક ચેરમાં શોધવું પડે છે!!!

 * *   * *

6 thoughts on “અમદાવાદનું “ફરતું સિનેમાગૃહ”

  1. ખરેખર રસ પડે તેવી માહિતી, હરસુખભાઇ! જો કોઇ વાચક પાસે આવા સિનેમા ગૃહના સંપર્ક સૂત્રો હોય તો મને જણાવે તેવી વિનંતી.
    . . . હરીશ દવે અમદાવાદ

    Like

  2. મેં પણ આવી ફીલ્મ એક વાર જોઈ હતી. પણ સ્લાઈડશો વધારે જોતા. ‘મુંબઈ કી શેઠાણી દેખો’ એ મોંથી બોલાતો ડાયલોગ યાદ આવી ગયો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s